Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને 134.43 કરોડનો ચૂનો લગાડ્યો : ખાનગી કંપની અને ડિરેક્ટર સામે સીબીઆઈએ ગુન્હો નોંધ્યો

સીબીઆઈની ટીમે મુંબઇમાં કંપની અને તેના માલિકોના 6 જુદા જુદા સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા

નવી દિલ્હી :  યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને કરોડો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આ કેસમાં ખાનગી કંપની અને તેના ડિરેક્ટર સામે કેસ નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે UBIને રૂ .134.43 કરોડનો ચુનો લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ CBIએ હાઈ પ્રેશર ટેક્નોલોજીસ પ્રા.લિ. લિમિટેડ (જેમાં કંપનીના તમામ ડિરેક્ટર અને કર્મચારી શામેલ છે) સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ બધા પર યુનિયન બેંકને 134.43 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આ સંદર્ભમાં CBIની ટીમે મુંબઇમાં પણ ઘણા સ્થળોએ દરોડા પાડ્યા છે.

કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપની અને અધિકારીઓએ બેંક પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. આ લોન ખોટા લાભ માટે લેવામાં આવી હતી. એફઆઈઆર નોંધ્યા પછી શુક્રવારે સવારે સીબીઆઈની ટીમે મુંબઇમાં કંપની અને તેના માલિકોના 6 જુદા જુદા સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડામાં CBIને ઘણા મહત્વના દસ્તાવેજો પણ મળી ગયા છે. જો કે, આ દસ્તાવેજો વિશે હજી સુધી કોઈ પુષ્ટિ થયેલ માહિતી બહાર આવી નથી. હાલ સીબીઆઈની ટીમે આ મામલે વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(12:39 am IST)