Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

નિયંત્રણો હળવા થતાં મુંબઈની હોટેલમાં શાકાહારી વાનગીની માગણી વધી

મુંબઇ,તા. ૧૨: કોરોનાનો કેર ઓછો થઇ રહ્યો હોવાથી રાજયમાં ફરીથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારે હોટેલો પર લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા બાદ પણ સ્થિતિમાં સુધારો થયો નથી. જોકે, મુંબઇમાં હવે શાકાહારી ખાદ્યપદાર્થોની માગણી વધી રહી હોવાથી નોનવેજ વાનગી માટે પ્રસિદ્ઘ હોટલ વ્યવસાયને ફટકો લાગ્યો છે. શાકાહારી વાનગીઓની માગણીમાં ધરખમ વધારો નોંધાયો છે. મુંબઇમાં માત્ર ૨૦થી ૩૦ ટકા જેટલી હોટેલ શાકાહારી છે. ઇડલી, પાવભાજી, મસાલા ઢોસા, મિકસભાજી, રોટલી, દાળભાત અને જીરા રાઇસ જેવી વાનગીની માગણી વધી રહી છે. કોરોનાને કારણે ગ્રાહકો અન્ય મસાલેદાર વાનગીઓ ખાવાનું ટાળી રહ્યા છે, એવું તેમણે જણાવ્યું હતું. ચેમ્બૂરના એક હોટેલ માલિકે જણાવ્યું હતું કે, હોટેલ વ્યવસાય હવે પહેલાની જેમ નથી ચાલતો. જે લોકો મસાલા ઢોસા અને રાઇસ પ્લેટ ખાવાનો આગ્રહ રાખતાં હતાં એ હવે વડાપાવ ખાવાનું પસંદ કરી રહ્યા છે. સ્વાદની સાથે આર્થિક મુદ્દો પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. માંસાહારી પદાર્થોની માગણી સામાન્યપણે સાંજના વધુ હોય છે, પરંતુ સરકારે હોટેલ ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ આપ્યા બાદ નોનવેજ ખાનારા ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પાર્સલ સુવિધાને કારણે હોટેલ માલિકોને ૨૦થી ૩૦ ટકા જેટલો આર્થિક ટેકો મળી રહ્યો છે.

(10:06 am IST)