Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોરોનાથી મોત ? ૪ લાખનું વળતર આપવા વિચારે છે કેન્દ્ર

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું : પીડિત પરિવારને વળતર ઉપરાંત મૃત્યુ પ્રમાણપત્ર આપવા વિચારાય છે : સરકારે જવાબ આપવા ૧૦ દિવસનો સમય માંગ્યો : હવે ૨૧ જુને સુનાવણી : કેન્દ્ર તુરંત નિર્ણય લેવા તૈયાર

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે કોરોનાથી થયેલ મોતના કેસમાં તે પીડિત પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવા અને ડેથ સર્ટીફીકેટ આપવાની નીતિ પર વિચાર કરી રહી છે. આ અંગે કેન્દ્રએ પોતાનો જવાબ દાખલ કરવા માટે સુપ્રિમ કોર્ટ પાસે ૧૦ દિવસનો સમય માંગ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ ૨૧ જૂને ફરીથી આ કેસની સુનાવણી કરશે.

શુક્રવારે જસ્ટીસ અશોક ભૂષણ અને એમ.આર.શાહની બેંચ સમક્ષ થયેલ સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી વકીલ સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે સરકાર આ અરજીને વિરોધમાં નથી લઇ રહી. આ અંગે સહાનુભૂતિપૂર્વક વિચાર ચાલી રહ્યો છે. જવાબી સોગંદનામુ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવે ત્યારે બેંચના ન્યાયાધીશે કહ્યું કે, કેટલાક રાજ્યોએ તેને લાગુ પણ કરી દીધું છે. તેમણે સમાચાર પત્રોમાં વાંચ્યું છે કે બિહારે ૪ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે પણ મોટા ભાગના રાજ્યોએ નીતિ નક્કી નથી કરી.

તે પછી મેહતાએ કહ્યું કે, કેન્દ્રીય સ્તરે જલ્દી નિર્ણય લેવામાં આવશે. કેન્દ્ર તરફથી જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય માંગવા પર કોર્ટે કહ્યું કે, પહેલા જ નોટીસ બહાર પડાઇ હતી તો હવે આટલો સમય શા માટે જોઇએ છે ? તો મેહતાએ કહ્યું કે, અન્ય કામોમાં વ્યસ્તતાના કારણે સમય લાગી ગયો છે પણ બેંચે કહ્યું કે બે સપ્તાહ નહીં પણ ૧૦ દિવસમાં જવાબ દાખલ કરો. કોર્ટે કેસને ૨૧ જૂને ફરી સુનાવણી કરવાનું કહીને સરકારને કહ્યું કે તે દાખલ કરાનાર સોગંદનામાની નકલ બે દિવસ પહેલા શનિવારે જ અરજદારોને આપી છે. આ દરમિયાન અરજદારોના વકીલે કહ્યું કે, ડેથ સર્ટીફીકેટમાં મોતનું કારણ ન લખવાથી બહુ મુશ્કેલીઓ ઉભી થાય છે. તેના પર મેહતાએ કહ્યું કે, આ મુદ્દા પર વિચારણા થઇ રહી છે. વકીલે બ્લેક ફંગસને પણ કોરોનાનું પરિણામ કહ્યું. તે બાબતે બેંચે કહ્યું કે, જ્યારે સરકાર કહી રહી છે કે તે આ બાબતે વિચારી રહી છે તો સરકારનો જવાબ આવી જવા દો.

(10:06 am IST)