Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

માઉન્ટ આબુમાં હવે આરટીપીસીઆર રિપોર્ટ સિવાય સહેલાણીઓને નો એન્ટ્રી

લોકપ્રિય સ્થળ માઉન્ટ આબુ હવે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું

અમીરગઢ,તા.૧૨: છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે દેશભરમાં સ્થિતિ ગંભીર બનેલી છે. કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળતા પરિસ્થિતિ ફરીથી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પ્રવાસીઓનું સૌથી લોકપ્રિય સ્થળ માઉન્ટ આબુ હવે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પરંતુ માઉન્ટ આબુમાં પ્રવેશ પહેલા આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરવામાં આવતા સહેલાણીઓ માટે માઉન્ટ હજી ઘણું દૂર બની ગયેલ છે.

કોરનાને કારણે રાજસ્થાનમાં આજદિન સુધી આંશિક લોકડાઉન લગાવવામાં આવેલું હતું અને માત્ર અગિયાર વાગ્યા સુધી જરૂરી ચીજવસ્તુઓ માટે બજાર ખુલ્લા રાખવામાં આવતા હતા અગિયાર વાગ્યા બાદ સમગ્ર રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. પોલીસ તંત્ર પણ કોરોનાની ગાઈડલાઈનનું કડ રીતે પાલન કરાવે છે.

જોકે હવે રાજસ્થાનમાં પણ કોરોના કેસોમાં ઘટાડો થતાં સી.એમ.અશોક ગેહલોત દ્વારા આજથી બજારો પાંચ વાગ્યા સુધી ખોલવાના આદેશો આપવામાં આવ્યો છે. રાજસ્થાનમાં એન્ટ્રી કરનાર અન્ય રાજયોના લોકો માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરવામાં આવેલ છે.

રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળોમાં એક ગણાતા માઉન્ટ આબુ ફરવા માટે આવતા પર્યટકોને આરટીપીસીઆર રિપોર્ટ સિવાય એન્ટ્રી નહીં મળે અને રિપોર્ટ હસે તો જ હોટલમાં પ્રવેશ મળશે. ગરમીની સિઝનમાં પ્રવાસીઓથી ભરચક ઉભરાતું માઉન્ટ આબુ આજે સૂમસામ દેખાઈ રહ્યું છે દરેક રસ્તાઓ જાણે કરફ્યુ હોય તેવો માહોલ થઈ ગયેલ છે. પર્યટકોની સંખ્યા ઓછી હોવાથી વેપારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

(10:06 am IST)