Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મેહુલ ચોકસીને ફટકો : ડોમિનિકા હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

ડોમિનિકા હાઈકોર્ટે મેહુલ ચોકસીને ફલાઇટ રિસ્ક હોવાના કારણે જામીન આપવાનો ઇનકાર કર્યો

સેન્ટ જોંસ,તા.૧૨: પીએનબી બેંકના કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધતી રહી હોય એવું લાગી રહ્યું છે. ડોમિનિકા હાઈકોર્ટે મેહુલ ચોકસીને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે મેહુલ ચોકસીને ફ્લાઇટ રિસ્ક હોવાના કારણે જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.

ડોમિનિકા હાઈકોર્ટમાં ચોકસીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું કે, એક કેરિકોમ નાગરિક તરીકે મેહુલ ચોકસીને જામીન આપવા જોઈએ. તેમણે કહ્યું કે મેહુલ ચોકસી પર જે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે, તે પ્રકારના અપરાધ જામીનપાત્ર છે અને તેમની પર થોડાક હજારનો દંડ જ ભરવાનો હોય છે. બચાવ પક્ષના વકીલોએ હાઈકોર્ટને જણાવ્યું કે મેહુલ ચોકસીની તબિયત સારી નથી, એવામાં તેમને ફ્લાઇટનું જોખમ ન લેવું જોઈએ. બચાવ પક્ષે કહ્યું કે મેહુલ ચોકસીની તબિયતને જોતાં જામીન રકમ લઈને તેમને બેલ આપવી જોઈએ.

નોંધનીય છે કે, મેહુલ ચોકસીની જામીન અરજી પર રાજયના વકીલ લેનોકસ લોરેન્સએ બેલનો વિરોધ કર્યો. લેનોકસ લોરેન્સનું કહેવું છે કે મેહુલ ચોકસી ફ્લાઇટ રિસ્ક પર છે અને ઇન્ટરપોલથી તેને નોટિસ આપવામાં આવી છે. એવામાં મેહુલ ચોકસીને જામીન ન આપવી જોઈએ. રાજયના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે મેહુલ ચોકસીએ હજુ સુધી તબિયત સાથે જોડાયેલી કોઈ પણ ફરિયાદ નથી કરી. તેથી તબિયત કે પછી હોસ્પિટલમાં દાખલ કરવાનો મુદ્દો જ નથી. મેહુલ ચોકસીને દરેક પ્રકારની મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે મેહુલ ચોકસીને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો.

મેહુલ ચોકસી પર ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં દાખલ થવાનો આરોપ છે. રોજો મેજિસ્ટ્રેટ દ્વારા જામીન અરજી ફગાવી દેતાં મેહુલ ચોકસીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હતી પરંતુ ત્યાંથી પણ મેહુલ ચોકસીને જામીન નથી મળી શકી. નોંધનીય છે કે ૨૩ મેના રોજ મેહુલ ચોકસી એન્ટિગુઆથી ગુમ થઈ ગયો હતો.

(10:13 am IST)