Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વિદેશી મુદ્રા ભંડાર પહેલીવાર 600 અબજ ડોલરને પાર પહોંચ્યો : 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટીએ

FCAમાં વધારાને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો: સોનાના ભંડારમાં ઘટાડો થયો

નવી દિલ્હી : દેશનો વિદેશી મુદ્રા ભંડાર 4 જૂન ૨૦૨૧ ના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં 6.842 અબજ ડોલર વધીને 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચી ગયું છે. પહેલીવાર તે 600 અબજ ડોલરને પાર કરી ગયું છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી છે.

આ અગાઉ 28 મે, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડાર 5.271 અબજ ડોલર વધીને 598.165 અબજ ડોલર થયું છે. 21 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 2.865 અબજ ડોલર વધીને 592.894 અબજ ડોલર નોંધાયું હતું. આ ઉપરાંત 14 મે, 2021 ના રોજ પૂરા થયેલા છેલ્લા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 56.3 કરોડ ડોલર વધીને 590.028 અબજ ડોલર થઈ થયું હતું.

28 મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડારમાં વધારો મુખ્યત્વે વિદેશી ચલણ સંપત્તિ એટલે કે FCAમાં વધારો થવાનું કારણ હતું, જે કુલ ચલણ ભંડારનું એક મહત્વપૂર્ણ ઘટક છે. રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સાપ્તાહિક ડેટા મુજબ રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન વિદેશી ચલણની સંપત્તિ 7.362 અબજ ડોલર વધીને 560.890 અબજ ડોલર થઈ છે એફસીએ ડોલરમાં વ્યક્ત થાય છે. આમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેનમાં પણ અસ્કયામતોનો સમાવેશ થાય છે.

રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 50.2 કરોડ ડોલર ઘટીને 37.604 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં એસડીઆર એટલે કે વિશેષ અધિકાર 1 મિલિયન ડોલર ઘટીને 1.513 અબજ ડોલર થયા છે. આઈએમએફ પાસે દેશના ભંડારમાં પણ 16 મિલિયન ડોલરનો ઘટાડા સાથે 5 અબજ ડોલર થયો છે.

(10:29 am IST)