Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બે ઇટાલીયન નૌ સૈનિકો પર કેરળના માછીમારોની હત્યાનો કેસ બંધ કરવા સુપ્રિમ કોર્ટ સંમત

ઇટલીએ વળતર રૂપે દસ કરોડ રૂપિયા જમા કરાવ્યા

નવી દિલ્હી,તા. ૧૨ : કેરળના માછીમારોની હત્યાના કેસમાં આરોપી બે ઇટાલીયન નૌ સૈનિકો પર ભારતમાં ચાલી રહેલ કેસને બંધ કરવા સુપ્રિમ કોર્ટ શુક્રવારે સંમત થઇ ગઇ છે. મંગળવારે આ અંગેનો ઓફીશ્યલ હુકમ સંભળાવવામાં આવશે.

જસ્ટીસ ઇંદીરા બેનર્જી અને જસ્ટીસ એમ આર શાહની બેંચને કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મેહતાએ માહિતી આપી કે પીડીતોને ચુકવવા માટે સુપ્રિમ કોર્ટમાં ૧૦ કરોડ રૂપિયાનું વળતર જમા કરી દેવાયુ છે. મેહતાએ કહ્યુ કે કુલ વળતરની હિસ્સેદારી પર નિર્ણય કેરળ સરકારે કરવાનો છે. ઇટલી ગણરાજ્યના વકીલનું કહેવુ હતુ કે આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલ તરફથી એવોર્ડ જાહેર કરાયા પછી દિલ્હીની એક અદાલત સમક્ષ ઇટાલીયન નૌસૈનિકો સામે ચાલી રહેલા કેસને બંધ કરી દેવો જોઇએ.

(11:28 am IST)