Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ખનખનીયા ખલ્લાસ ! ૨૦% ખર્ચ કાપના આદેશો

કેન્દ્ર સરકારે લીધો 'કડવો' નિર્ણય : કોરોના મહામારી બાદ પહેલીવાર સરકારી ઓફિસોમાં અમલી બનશે કોસ્ટ કટિંગ : કેન્દ્રીય કર્મચારીઓ સુધી પહોંચશે કોસ્ટ કટિંગની આગ : ઓવરટાઇમ ભથ્થા બંધ થશે : વિજ્ઞાપન -પ્રચાર-રિવોર્ડ -દેશવિદેશ યાત્રા ખર્ચ વગેરે ઉપર કાપ

નવી દિલ્હી,તા.૧૨: કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મંત્રાલયો અને સરકારી વિભાગોને ખર્ચ ઉપર અંકુશ લગાવવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય નાણા મંત્રાલય ઇચ્છે છે કે વિજ્ઞાપન, પ્રચાર, ઓવરટાઇમ ભથ્થા, રિવોર્ડ, ઘરેલુ અને વિદેશ યાત્રા ખર્ચ, મામુલી જાળવણીનું કામ જેવા ક્ષેત્રમાં મંત્રાલય અને સરકારી વિભાગો ૨૦ ટકાનો ઘટાડો છે.

સરકારે બીનજરૂરી ખર્ચ ઉપર અંકુશ મુકવા નિર્ણય લીધા છે. સરકારના આદેશથી વર્ગ સીના કર્મચારી જેમ કે ડ્રાઇવર અને પટ્ટાવાળાને માઠી અસર થશે. તો વરિષ્ઠ અધિકારીઓને યાત્રામાં કાપ મુકવા પડશે.

ગઇ કાલે જારી પરિપત્રમાં અનેક ચીજોમાં ખર્ચમાં ઘટાડો કરવા જણાવાયું છે. જેમાં ઓવર ટાઇમ ભથ્થા, રિવોર્ડ, યાત્રા, ઓફિસ ખર્ચ-ભાડા ખર્ચ, રોયલ્ટી, પ્રકાશન, રાશનની કોસ્ટ, POL , વસ્ત્ર અને વિજ્ઞાપન, લઘુ કાર્ય સેવા શુલ્ક, યોગદાન વગેરે ઘટાડવાનો સમાવેશ થાય છે.

  ખર્ચમાં ઘટાડો કેન્દ્ર સરકારની કચેરીઓ અને કર્મચારીઓ સુધી પહોંચી ગયો છે. ભારતમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકારના વિભાગો અને મંત્રાલયો ઓવરટાઇમ ભથ્થું અને રિવોર્ડ્સ જેવા ખર્ચમાં ૨૦ ટકા ઘટાડો કરશે.

કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકારે ખર્ચ પર કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. આ હુકમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના ઓવરટાઇમ ભથ્થા જેવી ઘણી બાબતોને અસર થશે. દેખીતી રીતે આ હુકમ કોરોના મહામારી સામેની લડતમાં વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે છે.

નાણા મંત્રાલયે ગત નાણાકીય વર્ષમાં બે વાર મંત્રાલયો અને વિભાગો દ્વારા ખર્ચમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ઓવરટાઇમ ભથ્થું અને રિવોર્ડ્સ જેવી ચીજો પર આવા ઓર્ડર આપ્યા ન હતા.

જો કે, ગુરુવારે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું. જે ભારત સરકારના તમામ સચિવો અને મંત્રાલયો અને વિભાગોના નાણાકીય સલાહકારોને મોકલવામાં આવ્યું હતું. જેમાં વ્યર્થ ખર્ચને રોકવા અને તેને ૨૦ ટકા ઘટાડવા માટે પગલાં ભરવા જણાવ્યું હતું.

મેમોરેન્ડમમાં જણાવ્યું છે કે તમામ મંત્રાલયો/ વિભાગોને અનુરોધ કરવામાં આવે છે કે, તમામ ટાળી શકાય તેવા બિન-યોજનાકીય ખર્ચને ઘટાડવા પગલાં લેવામાં આવે. આ હેતુ માટે ૨૦૧૯-૨૦ માં ખર્ચને બેઝલાઇન તરીકે લઈ શકાય છે. જો કે, મેમોરેન્ડમમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોવિડ મહામારીને રોકવા સંબંધિત ખર્ચને આ હુકમના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યો છે.

જે વસ્તુઓમાં ખર્ચ ઘટાડવા કહેવામાં આવ્યું છે તેની યાદી નીચે મુજબ છે

ઓવરટાઇમ ભથ્થું, રિવોર્ડ્સ, ઘરેલું મુસાફરી, વિદેશી મુસાફરી ખર્ચ, ઓફિસ ખર્ચ, ભાડા, રેટ્સ અને ટેકસ, રોયલ્ટી, પ્રકાશનો, અન્ય વહીવટી ખર્ચ, પુરવઠા અને સામગ્રી, રાશનની કિંમત, POL, કપડાં અને ટેન્ટેઝ, જાહેરાત અને પબ્લિસિટી, નાના કામો, જાળવણી, સેવા શુલ્ક, યોગદાન અને અન્ય શુલ્ક.

આ મુદ્દા પર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટાડાના ઓર્ડર આપવા પાછળ તર્ક છે અને આ ઘટાડો કરવાનો આ યોગ્ય સમય છે કેમ કે, સિસ્ટમ ૧૦૦ ટકા ક્ષમતા પર કામ કરી રહી નથી.

(11:29 am IST)