Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પેઇન રીલીફ બામ, મલમ અને અશ્વગંધા જેવી આયુર્વેદિક દવાઓનું અત્યાર સુધીમાં હાઇએસ્ટ વેચાણ

કોરોનાની બીજી લહેરમાં આયુર્વેદિક સ્ટ્રેસ બસ્ટરની માંગમાં ઉછાળો

મુંબઇ તા. ૧૨ : કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના ભારતીય લોકો ઘરમાં પુરાયેલા હતા ત્યારે સ્ટ્રેસ રીલીફ ઉત્પાદનોની માંગમાં જબરો ઉછાળો આવ્યો છે.

ઇમામી, અમૃતાંજન હેલ્થ કેર, હિમાલયા, ડ્રગ કંપની અને ડાબર જેવી મોટી કંપનીઓના આંકડાઓ અનુસાર, બામ, એન્ટી સ્ટ્રેસ પ્રોડકટસ અને અશ્વગંધા જેવા હર્બસના વેચાણમાં ૫૦ થી ૮૦ ટકાનો ઉછાળો છેલ્લા ત્રણ મહિનામાં આવ્યો છે જે અત્યાર સુધીમાં કોઇ પણ ત્રિમાસીકમાં સૌથી વધારે છે.

ઉદાહરણ તરીકે ઝંડુ બામ જે બામમાં અગ્રણી છે તેણે અત્યારે ઓફ સીઝન હોવા છતાં પોતાનું વેચાણ બમણું કર્યું છે. જ્યારે ઉત્તર ભારતમાં તેનું વેચાણ પાંચ ગણુ અને દિલ્હી એનસીઆરમાં ૨૦ ગણુ વધ્યું છે.

ઇમામીના ડાયરેકટર મોહન ગોએન્કાએ કહ્યું, 'પહેલી લહેરમાં સેનેટાઇઝર અને ઇમ્યુનિટી બુસ્ટર હીરો હતા તો બીજી લહેરમાં બામ અને સ્ટ્રેસ અંગેના ઉત્પાદનો હીરો બન્યા છે.' તેમણે કહ્યું કે, ઝંડુ બામે એપ્રિલ-મે માં પોતાનું અત્યાર સુધીનું હાઇએસ્ટ વેચાણ કર્યું છે. તેમણે કહ્યું કે, અમારી પાસેના આંકડાઓ અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં ૨૬ લાખ નવા ગ્રાહકોએ બામ ખરીદ્યો હતો.

અમૃતાંજનના ચીફ માર્કેટીંગ ઓફિસર મણી ભગવતિસ્વરમે કહ્યું કે, અમારા બામના વેચાણમાં ૩૧ ટકાનો વધારો થયો છે. આ વેચાણ વધવાનું કારણ આપતા તેમણે કહ્યું કે મહામારી દરમિયાન લોકો ઘરમાં હોવાથી ટીવી, કોમ્પ્યુટર સામે વધારે સમય પસાર કરે છે અને એકસરસાઇઝ કરવાનો મોકો ઓછો મળે છે જેના લીધે માથાનો તથા શરીરનો દુખાવો થાય છે, જેના માટે તેઓ બામનો ઉપયોગ કરે છે.

(11:32 am IST)