Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગુજરાતની પરિસ્થિતિનો 'તાગ' મેળવતા ભાજપ પ્રભારીઃ 'તલસ્પર્શી' અહેવાલ બનાવાશેઃ મોટા નિર્ણયોની શકયતા

સામુહીક અને વ્યકિતગત બેઠકો યોજતા ભૂપેન્દ્ર યાદવઃ જિલ્લાઓની મુલાકાતની તૈયારી

રાજકોટ, તા. ૧ર :  ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના આગેવાનો સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. તા. ૧પ મીએ ધારાસભ્યોની બેઠક પૂર્વેની આ મુલાકાત સૂચક ગણાય છે. પ્રભારી કક્ષાએથી સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા થઇ રહી છે. આજે જુદાજુદા રપ આગેવાનો સાથે વ્યકિતગત મુલાકાત ગોઠવાયાના વાવડ છે, ર૦રર ની ધારાસભાની ચૂંટણીની  પુર્વ તૈયારી શરૂ થઇ ચુકી છે. પ્રદેશ પ્રભારી વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરનાર હોવાનું બહાર આવી રહ્યું છે.

સંગઠનની કામગીરી નજીકના ભૂતકાળની ચૂંટણીઓનું પરિણામ, નજીકના ભવિષ્યની ચુંટણીઓ, સંસ્કાર અને સંગઠન વચ્ચેનું સંકલન તથા બન્નેની કામગીરી વગેરે ચર્ચાની એરણે છે શ્રી યાદવ આંખે દેખ્યો અને કાને સાંભળ્યો અહેવાલ તૈયાર કરીને કેન્દ્રીય નેતાગીરીને સુપ્રત કરનાર હોવાનું જાણવા મળે છે. સંગઠન દ્વારા આગામી દિવસો માટે કેટલાક કાર્યક્રમો જાહેર થનાર છે.

પ્રદેશ પ્રભારીની હાજરીમાં શરૂ થયેલ કસરત મોટા નિર્ણયો પૂર્વની નિશાની સમાન હોવાનું સમીક્ષકોનું માનવું છે. રાજકારણમાં ગમે ત્યારે સમીકરણો બદલાતા હોય છે. મંત્રી મંડળ વિસ્તરણ, બોર્ડ-નિગમમાં નિમણુંકોની બાબતને હાલ ભાજપના સતાવાર વર્તુળો સમર્થન આપતા નથી. પ્રભારી દ્વારા મેળવાઇ રહેલ 'તાગ'ના આધારે  થનાર સંભવિત નિર્ણયો સરકાર અથવા સંગઠનને અથવા બન્નેને સ્પર્શતા હોય શકે તેવું રાજકીય વર્તુળોનું તારણ છે.

(4:12 pm IST)