Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઇંગ્લેન્ડમાં કોરોના વાઇરસ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ આવતા બોરિસ જોન્સન સરકારની ચિંતામાં વધારોઃ લોકડાઉન લંબાવવાની શક્યતા

લંડનઃ ઇંગ્લેન્ડમાં કોરોના વાઇરસ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસો સામે આવતા બોરિસ જોન્સન સરકારની ચિંતા વધી ગઇ છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન પ્રતિબંધો હટાવવાની હજુ રાહ જોઇ શકે છે.

જોનસન આગામી સોમવારે લોકડાઉન 19 જૂન બાદ લંબાવવાની કે ઉઠાવવાની જાહેરાત કરી શકે છે. ડેલી ટેલીગ્રાફના અહેવાલ મુજબ બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે પ્રતિબંધો એક મહિના સુધી લંબાઇ શકે છે.

પીએમ બોરિસે નવા કેસો અંગે ચેતવણી આપી હતી

વડાપ્રધાન બોરિસ જોન્સન જો પ્રતિબંધો એક મહિના લંબાવશે તો ઇંગ્લેન્ડમાં 19 જૂને પુરું થનારા લોકડાઉન 19 જૂલાઇએ ખતમ થશે. આમ પણ બોરિસ સરકાર હંમેશા કહે છે કે ઓનલોકિંગની પ્રક્રિયા ડેટાના આધારે કરશે. સપ્તાહે પીએમ બોરિસે વધતા કેસો અંગે ચેતવણી પણ આપી હતી.

નોંધનીય છે કે બ્રિટનમાં સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડની સરકારો પોતાના અધિકાર ક્ષેત્રમાં મોટાભાગના નિર્ણયો લે છે. જેના કારણે રાજ્યોમાં પ્રતિબંધ અંગેનો નિર્ણય સ્થાનિક સરકારો પાસે છે. પીએમ કાર્યાલયે અત્યારે તો લોકડાઉન અંગે કોઇ ટિપ્પણી કરી નથી.

બ્રિટનમાં ગઇ કાલે શુક્રવારે 8,125 નવા કેસ નોંધાયા. જે ફેબ્રુઆરી બાદ એક દિવસની સૌથી વધુ છે. પીએમ જોન્સને કહ્યું હતું કે મેમાં લોકડાઉનના પ્રતિબંધોમાં છૂટ પછી નવા કેસોમાં વધારો થવાની સંભાવના હતી. પરંતુ વેક્સિનેશનને કારણે નવા કેસ અને મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે કે નહીં તે જોયા બાદ લોકડાઉન પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવાશે.

બ્રિટનમાં કોરોના વાઇરસથી સવા લાખથી વધુ મોત

કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં 1,27,000થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા. જો કે છેલ્લા ઘણા દિવસોથી દૈનિક મૃત્યુઆંકમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. આવું કડક લોકડાઉનને કારણે સંભવ થયું. ઉપરાંત વેક્સિનેશનની ભૂમિકા પણ મહત્વની છે. અત્યાર સુધી બ્રિટનમાં ત્રણ ચતુર્થાંસ કરતા વધુ પુખ્ત લોકોને રસી અપાઇ ગઇ છે. પરંતુ ડોલ્ટા વોરિયન્ટના નવા કેસોને કારણે સરકારની ચિંત ફરી વધી છે.

(5:58 pm IST)