Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

IT નિયમો ચેનલો-ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લાગુ થશે

ભારત સરકારના નવા આઈટી નિયમો પર વિવાદ : ચેનલો અને અખબારોના ડિજિટલ પ્લેટફોર્મને નવા નિયમોમાંથી બાકાત રાખવાની અપીલ સરકારે ફગાવી

નવી દિલ્હી, તા.૧૨ : ભારત સરકારના નવા આઈટી નિયમો લાગુ કરવાને લઈને સોશિયલ મીડિયા કંપનીઓની આનાકાનીને લઈને વિવાદ પણ થયો હતો. જોકે પછી સોશિયલ મીડિયા કંપનીઓએ વહેલા મોડા પણ નિયમો લાગુ કરવા માટે સંમતિ આપી છે.

હવે નવા નિયમો ટીવી ચેનલો અને ન્યૂઝ પેપરના ડિજિટલ પ્લેટફોર્મને પણ લાગુ પડશે. નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિસેશને ચેનલો અને અખબારોના ડિજિટલ પ્લેટફોર્મને નવા નિયમોમાંથી બાકાત રાખવાની કરેલી અપીલ સરકારે ફગાવી દીધી છે. હવે ટીવી ચેનલો અને અખબારોએ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ માટે સરકારના નવા નિયમોનુ પાલન કરવુ પડશે.

એનબીએનુ કહેવુ હતુ કે, ડિજિટલ પ્લેટફોર્મ પહેલેથી આઈટીના બીજા નિયમોનુ પાલન કરી રહ્યા છે ત્યારે વધુ નવા નિયમો લાગુ કરવાથી તેના પર બોજો આવશે.જોકે અપીલને સરકારે ફગાવી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયનુ કહેવુ છે કે, નવા નિયમોથી કોઈ વધારાનો બોજ પડતો નથી. ડિજિટલ પ્લેટફોર્મને નવા નિયમો હેઠળ આવરી લેવામાં કશં ખોટુ નથી. કાયદામાં કોઈને પણ અપવાદ રાખવા યોગ્ય નથી એટલે નવા નિયમો તમામ પર સરખી રીતે લાગુ થશે.

મંત્રાલયે કહ્યુ છે કે, જ્યારે કોઈ પણ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત કરાય છે ત્યારે તે કન્ટેન્ટ તે પ્લેટફોર્મના નિયામકની જવાબદારીમાં નહીંઆવે.જો કોઈ ઓટીટી પ્લેટફોર્મને પ્રકારના ન્યૂઝ અંગે ફરિયાદ મળે છે તો તે પ્રકારના મામલાને ન્યૂઝ દર્શાવનાર પ્રકાશકને ટ્રાન્સફર કરી શક છે.

સરકારના નવા નિયમો પ્રમાણે કોઈ પણ ફરિયાદ મળ્યાના ૨૪ કલાકની અંદર  ડિજિટલ પ્લેટફોર્મે આપત્તિજનક કન્ટેન્ટ હટાવવુ પડશે. સિવાય એક નોડલ ઓફિસર અને એક રેસિડેન્ટ ગ્રિવન્સ ઓફિસરની પણ નિમણૂંક કરવી પડશે. જે ભારતનો હશે. બંને અધિકારીઓએ ૧૫ દિવસની અંદર ફરિયાદોનુ નિવારણ કરવુ પડશે. સાથે સાથે દર મહિને  ડિજિટલ પ્લેટફોર્મે સરકારને રિપોર્ટ આપીને દર મહિને કેટલી ફરિયાદ મળી અને કેટલી ફરિયાદોનુ નિવારણ કર્યુ તેની જાણકારી આપવી પડશે.

(7:27 pm IST)