Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભારતીય મૂળના પત્રકાર મેઘાને પુલિત્ઝર પુરસ્કાર

વિશ્વનો પત્રકારત્વનો સૌથી મોટો એવોર્ડ : મેઘા રાજગોપાલને પોતાના રિપોર્ટ્સના માધ્યમથી ચીનના ડિટેન્શન કેમ્પોની હકીકત દુનિયા સામે મુકી હતી

ન્યૂયોર્ક, તા.૧૨ : ભારતીય મૂળના પત્રકાર મેઘા રાજગોપાલનને પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પુલિત્ઝર પુરસ્કારને દુનિયાભરમાં પત્રકારત્વ ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. મેઘાએ પોતાના રિપોર્ટ્સના માધ્યમથી ચીનના ડિટેન્શન કેમ્પોની હકીકત દુનિયા સામે મુકી હતી. તેમણે સેટેલાઈટ તસવીરોનું વિશ્લેષણ કરીને જણાવ્યુ હતું કે ચીને કઈ રીતે લાખોની સંખ્યામાં વીગર મુસલમાનોને કેદ કરીને રાખ્યા છે.

મેઘા રાજગોપાલને પોતાના પિતા દ્વારા આપવામાં આવેલી શુભકામનાના સંદેશને ટ્વિટર પર પોસ્ટ કરી છે. મેસેજમાં તેમના પિતા મેઘાને પુરસ્કાર માટે શુભકામના આપી છે. તેમણે લખ્યું છે કે, કોંગ્રેચ્યુલેશન મેઘા. મમ્મીએ હમણાં મને મેસેજ ફોરવર્ડ કર્યો છે. મેઘા સિવાય ઈન્ટરનેટ મીડિયા બઝફીડ ન્યુઝના બે પત્રકારોને પણ પુલિત્ઝર અવોર્ડ આપવામાં આવ્યો છે.

ભારતીય મૂળના પત્રકાર નીલ બેદીને પણ સ્થાનિક રિપોર્ટિંગ માટે પુલિત્ઝર આપવામાં આવ્યો છે. તેમણે ફ્લોરિડામાં સરકારી અધિકારીઓના બાળકોની તસ્કરીના સંદર્ભમાં ટંપા બે ટાઈમ્સ માટે ઈન્વેસ્ટિગેશન સ્ટોરી કરી હતી. અમેરિકાની ડાર્નેલા ફ્રેઝિયરને પુલિત્ઝર સ્પેશિયલ સાઈટેશન આપવામાં આવ્યું. તેમણે મિનેસોટામાં તે ઘટનાને રેકોર્ડ કરી હતી જે દરમિયાન જ્યોર્જ ફ્લોઈડનો જીવ જતો રહ્યો હતો. ત્યારપછી માત્ર અમેરિકા નહીં, દુનિયાભરમાં રંગ આધારિત થતા ભેદભાવના વિરોધમાં ભારે પ્રદર્શન થયા હતા.

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ વાર ૧૯૧૭માં પુલિત્ઝર અવોર્ડ આપવામાં આવ્યા હતા. અમેરિકામાં તેને ક્ષેત્રનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે.

(7:32 pm IST)