Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વિદેશી મુદ્રા ભંડારના મામલે નવો રેકોર્ડ :અમેરિકાને પાછળ છોડી ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ

અમેરિકા ઉપરાંત સિંગાપોર, હોંગકોંગ સહિતના ઘણા દેશોને પાછળ છોડી દીધા

નવી દિલ્હી :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા મુજબ, રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. વિદેશી મુદ્રાની સંપત્તિમાં સારી વૃદ્ધિ આ વધારા માટેનું કારણ છે. તે કુલ મુદ્રા ભંડારનો નોંધપાત્ર ભાગ હોય છે.

વિદેશી મુદ્રા ભંડારની બાબતમાં આ નવા રેકોર્ડ સાથે, ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે. ખાસ વાત એ છે કે આ મામલે ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. અમેરિકાનું ફોરેક્સ રિઝર્વ ફક્ત 142 અબજ છે અને તે યાદીમાં 21 મા સ્થાને છે. જ્યારે ભારતે પાંચમા ક્રમે સ્થાન બનાવ્યું છે. આ સાથે જ ભારતે માત્ર અમેરિકા જ નહીં પરંતુ સિંગાપોર, હોંગકોંગ સહિતના ઘણા દેશોને પાછળ છોડી દીધા છે. હવે આ યાદીમાં ફક્ત ચીન, જાપાન, સ્વિટ્ઝર્લન્ડ અને રશિયા ભારતની ઉપર છે.

અગાઉ, 28 મે, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર 5.271 અબજ ડોલર વધીને 598.165 અબજ ડોલર થયું છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન વિદેશી ચલણની સંપત્તિ 7.362 અબજ ડોલર વધીને 560.890 અબજ ડોલર થઈ છે.

વિદેશી ચલણની સંપત્તિ ડોલરમાં વ્યક્ત થાય છે. આમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેનમાં અંકિત સંપત્તિઓનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 50.2 કરોડ ડોલર ઘટીને 37.604 અબજ ડોલર થયો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (આઇએમએફ) ની સાથે સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ (એસડીઆર) 10 લાખ ડોલર ઘટીને 1.513 અબજ ડોલર થઈ છે. તે જ સમયે, આઈએમએફ પાસે દેશના આરક્ષિત ભંડારમાં પણ 1.6 કરોડ ડોલર ઘટી ને 5 અબજ ડોલર થયો છે

(10:37 pm IST)