Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

દેશમાં સૌપ્રથમ રાજસ્થાનમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન : રસીકરણની ટીમ 10 લોકો નોંધણી કરશે ત્યારે ઘરે પહોંચશે

કામગીરી માટે બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઇલ ટીમો તૈયાર કરાઈ : Whatsapp પર રજીસ્ટ્રેશન

નવી દિલ્હી : દેશમાં પહેલી વાર રાજસ્થાન સરકાર દ્વારા બિકાનેરશહેરમાં ડોર ટુ ડોર રસીકરણ  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ડોર ટુ ડોર રસીકરણ અભિયાન સોમવારથી શરૂ કરવામાં આવશે. હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ કામગીરી માટે બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઇલ ટીમો તૈયાર કરવામાં આવી છે.

બિકાનેરમાં  ડોર ટુ ડોર રસીકરણ અભિયાનની આ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય વહીવટી તંત્રે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. આ નંબર પર Whatsapp દ્વારા લોકો પોતાનું નામ અને સરનામું દાખલ કરીને રસી માટે પોતાને નોંધણી કરાવી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં ડોર ટુ ડોર રસીકરણ (Door to Door Vaccination) અભિયાન અંતર્ગત રસીકરણની ટીમ 10 લોકો નોંધણી કરાવે ત્યારે જ ઘરે પહોંચશે. આની પાછળનું કારણ છે કે રસીની એક શીશીમાંથી 10 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવે છે. 10 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે જેથી રસીનો બગાડ ન થાય.

બિકાનેર કલેકટર નમિતા મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ‘નિષ્ણાતો કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરી રહ્યાં છે. અમારું લક્ષ્‍ય 45 વર્ષથી વધુ ઉંમરના 75 ટકા લોકોને રસી આપવાનું છે. તેથી, ઘરે રસી આપવાની આ પ્રક્રિયા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

(11:52 pm IST)