Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

નાગરિક ઉડ્યન મંત્રી બનતા સિંધિયાએ આપી મધ્યપ્રદેશને મોટી ભેટ : ' ઉડાન ' યોજના હેઠળ આઠ નવી ફ્લાઇટને મંજૂરી

ગ્વાલિયર-અમદાવાદ, સુરત-જબલપુર, ગ્વાલિયર-પુણે, ગ્વાલિયર-મુંબઇ ફ્લાઇટની સુવિધા

નવી દિલ્હી : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગત રવિવારે ઉડ્ડયન મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ એક અઠવાડિયામાં જ મધ્યપ્રદેશના લોકોને એક મોટી ભેટ આપી છે.જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાના શહેરોને મેટ્રો સાથે જોડવા માટે ઉડાન  યોજના હેઠળ નવી ફ્લાઇટની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ગૃહરાજ્ય મધ્યપ્રદેશ માટે 8 નવી ફ્લાઇટ્સને મંજૂરી આપી છે. આ ફ્લાઇટ્સનું સંચાલન 16 જુલાઇથી શરૂ કરવામાં આવશે. તેમણે ગયા અઠવાડિયે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો.

આ ફ્લાઇટ્સમાં ગ્વાલિયર-અમદાવાદ, સુરત-જબલપુર, ગ્વાલિયર-પુણે, ગ્વાલિયર-મુંબઇ ફ્લાઇટનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની યોજના UDAN સ્કિમ અંતર્ગત પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના પર કામ કરી રહી છે કે જેમાં રીઝર્વેશન વગરના અને ઓછા ટ્રાફિક વાળા 100 એરપોર્ટ્સનું સંચાલન થશે. UDAN યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 હવાઈ માર્ગો શરૂ કરવાની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના દૂરના અને પ્રાદેશિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાનો અને દેશના નાગરિકોને પોસાય તેવા વિમાન ભાડામાં હવાઈ મુસાફરી આપવાનો છે.

વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી આ UDAN યોજના કેન્દ્રની રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિનો મોટો ભાગ છે. આ યોજના જૂન 2016 માં શરૂ કરવામાં આવી હતી. UDAN યોજના અંતર્ગત સામાન્ય લોકો માટે પોસાય તેવા વિમાનભાડામાં વિમાન મુસાફરી લાવવામાં આવી છે.

(12:00 am IST)