Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોનાના વળતા પાણી

૨૪ કલાકમાં ૩૭,૧૫૪ કેસઃ ૭૨૪ના મોતઃ રિકવરી રેટ ૯૭.૨૨%

નવી દિલ્હી, તા.૧૨: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૭૧૫૪ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે ૩૯,૬૪૯ લોકો સારા થયા છે સાથે રિકવરી રેટ વધીને ૯૭.૨૨ થયો છે. દેશમાં હાલમાં ૪,૫૦,૮૯૯ સક્રિય કેસ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગઈકાલે દેશમાં કોરોના વાયરસ માટે ૧૪,૩૨,૩૪૩ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં, ગઈકાલે સુધીમાં કુલ ૪૩,૨૩,૧૭,૮૧૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોનાના કારણે ૭૨૪ નું મોત નીપજયું. સક્રિય કેસની સંખ્યામાં એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ૨,૭૫૯ નો દ્યટાડો નોંધવામાં આવ્યો છે. રવિવારે સક્રિય કેસોમાં મહારાષ્ટ્રમાં ૨,૧૬૫ કેસનો ઉછાળો જોવા મળ્યો. છેલ્લા ૨ દિવસથી અહીં સક્રિય કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સક્રિય કેસોમાં ૧,૭૬૯ નો વધારો થયો છે.

દેશમાં સંક્રમણથી સારા થયેલા દર્દીઓની સંખ્યા ૩ કરોડને વટાવી ગઈ છે. રવિવારની રાત સુધીમાં દેશમાં ૩ કરોડ ૭ હજાર લોકો રિકવર થયા છે. એટલે કે, ઘણા લોકોએ કોરોનાને હરાવ્યો છે. જો કે સક્રિય કેસ દ્યટાડવાની ગતિ ધીમી પડી છે. ૬ દિવસથી સતત ઘટતા સક્રિય કેસની સંખ્યા ૫ હજારથી ઓછી રહી છે. ૫ જુલાઇએ ૧૮ હજારથી વધુ સક્રિય કેસ ઘટયા હતા. ત્યારબાદ આ સંખ્યા ૫ હજારથી ઓછી રહી છે. જયારે મહારાષ્ટ્ર અને કેરળમાં જ એક લાખ થી વધુ એકિટવ કેસ છે. મહારાષ્ટ્રમાં ૧૧૬૧૬૫ અને કેરળમાં ૧૧૪૮૫૨ એકિટવ કેસ છે.

બીજી તરફ દેશભરમાં રાષ્ટ્રીયસ્તરે રસીકરણ અભિયાન દરમિયાન ૩૭,૭૩,૫૨,૫૦૧ કરોડ ડોઝ રસીના આપવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૩૫,૨૮૭ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે ઝડપથી વેકિસનેશન પ્રક્રિયા આગળ વધારવું ખુબ જ જરૂરી છે. અને હવે લોકો પણ જાગૃત થઇ વેકિસન લેવા માટે આગળ આવી રહ્યા છે.

(11:00 am IST)