Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મોંઘવારી કયાંથી કયાં પહોંચીઃ ચેન્નાઇનાં વયોવૃધ્ધ ભુતકાળ યાદ કરે છે

૧૯૭૦ પૂર્વે રૂ.૧૦માં ૩ લીટર પેટ્રોલ મળતું: ૨૦ પૈસાની ચા રૂ.૩માં ભોજન-રૂ.૨.૫૦માં સીનેમા - ૧ ગ્રામ સોનું રૂ.૩૦માં મળતુ

છાપુ રૂ.૫.૭૦માં મહિનો મળતુઃ બસનું મીનીમમ ભાડુ ૧૦ પૈસા હતું: કલાર્કનો પગાર હતો રૂ.૨૫૦

ચેન્નાઇ, તા.૧૨: હું છેલ્લા ૭૦ વર્ષથી ચેન્નઇમાં રહું છું. આજે જયારે હું મારી કાર ડ્રાઇવ કરી રહયો હતો તે દરમ્યાન એક એફએમ ચેનલ પર પેટ્રોલના વર્તમાન ભાવ વધારે પર ચર્ચા ચાલી રહી હતી. ચર્ચામાં ભાગ લેનારા લગભગ પેટ્રોલની વધી રહેલી કિંમતો જે લગભગ બધા રાજયોમાં ત્રણ આંકડાએ પહોંચી ગઇ છે તેના માટે  કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરી રહયા હતા.

વિચારમાં ને વિચારમાં હું ૭૦ના દાયકામાં હું જયારે ટુ વ્હીલર શીખતો હતો ત્યાં પહોંચી ગયો ત્યારે પેટ્રોલની કિંમત ૩.૧૨ રૂપિયા હતી અને તેની સાથે  ૨૫ સીસી ઓઇલ પુરાવવું પડતું હતું જેના ૧૨ પૈસા અલગથી થતા હતા. (એ સમયે ઓઇલ અને પેટ્રોલ અલગથી આવતા અને ટાંકીમાં પુરાવવા પડતા હતા) ૩.૧૨ +૦.૧૨=૩.૨૪ રૂપિયા પ્રતિ લીટરના ગણીએ તો ૧૦ રૂપિયામાં ૩ લીટર પેટ્રોલ આવતું હતું જે અત્યારના ભાવે ૩૦૦ રૂપિયા થાય એટલે કે ૩૦ ગણું મોંઘું

પણ તેની સામે રોડના કિનારે ચાની કીટલી પર ચાના એક કપના ૨૦ પૈસા હતા જે અત્યારે ૧૦ રૂપિયો છે, જે ત્યાર કરતા પ૦ ગણો ભાવ છે. ઇન્ડિયન એકસપ્રેસ છાપાનું મહિનાનું બીલ ૫.૭૦ રૂપિયા આવતું જુ અત્યારે ૨૪૦ રૂપિયા આવે છે એટલે કે ૪૨ ગણું વધારે.

સામાન્ય હોટલમાં ત્યારે ૩ રૂપિયામાં શાકાહારી ભાણું મળતું હતું જે અત્યારે ૧૨૦માં મળે છે, જે ૪૦ ગણું મોંઘુ છે. સીનેમાની ટીકટી સામાન્ય થીયેટરમાં ત્યારે ૨.૫૦ રૂપિયામાં મળતી હતી, આજે લગભગ ૧૨૦ રૂપિયા થાય છે એટલે કે ૪૮ ગણો ભાવ વધારો. ફુલોનો એક ગજરો (વેણી) ત્યારે ૨૫ પૈસામાં વેચાતી આજે ૨૦ રૂપિયામાં વેચાય છે જે ભાવવધારો ૮૦ ગણો છે.

બસોમાં એ સમયે લઘુત્તમ ભાડુ ૧૦ પૈસા હતું અને હાલમાં ૪ રૂપિયા, જે ૪૦ ગણું મોંઘું છે. બેસન્ટ નગરમાં ૩૦,૦૦૦ રૂપિયામાં ફલેટ મળતો હતો એટલા જ કાર્પેટ એરીયાનો ફલેટ આજે દોઢ કરોડ રૂપિયામાં મળે છે એટલે કે ૫૦૦ ગણો મોંઘો. સોનું ત્યારે ૩૦ રૂપિયા પ્રતિ ગ્રામ વેચાતું હતું જયારે આજે તેનો ભાવ ૪૫૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ વેચાતું હતું જયારે આજે તેનો ભાવ ૪૫૦૦ રૂપિયા પ્રતિ ગ્રામથી વધારે છે એટલે કે સોનાના ભાવ ૧૫૦ ગણા વધી ગયા.

સામાન્ય કેન્દ્રિય કર્મચારી કલાર્કનો પગાર ત્યારે ૨૫૦ રૂપિયા હતો આજે તે જ વ્યકિતને ૨૫૦૦૦ની આસપાસ પેન્શન મળે છે જે ૧૦૦ ગણું થાય છે.

આમ દરેક વસ્તુઓના ભાવમાં આટલો વધારો થયો હોય તો ફકત પેટ્રોલના ભાવ બાબતે આટલી કાગારોળ કેમ કરવામાં આવી રહી છે?

(11:00 am IST)