Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ઝાયડસ કેડિલાએ બાળકો માટે બનાવી રસી

ખુશખબર... ભારતમાં તુરંતમાં ૧૨ થી ૧૮ વર્ષના બાળકોને મળશે કોરોના રસી : આ સપ્તાહે નિર્ણય

નવી દિલ્હી તા. ૧૨ : ભારતીય દવા નિયામક આ અઠવાડિયે એક અન્ય કોરોના વિરોધી રસીને મંજૂરી આપી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાની આશંકા છે ત્યારે ઝાયડસ કેડિલાની ૧૨ વર્ષથી ઉપરના બાળકો માટેની ઝાયકોવ-ડી વેકિસનને મંજૂરી મળે છે તો તે સારું પરિણામ હોઈ શકે છે. આ વેકિસનની સપ્લાય એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જો બાળકોને વેકિસન અપાશે તો શાળાઓ પણ જલ્દી ખોલી શકાશે. આ અઠવાડિયે મંજૂરી મળશે તો આ મોટું પગલું હશે.

મળતી માહિતી અનુસાર કંપનીએ તૈયાર કરેલી વેકિસનનું મૂલ્યાંકન SECની બેઠકમાં કરવામાં આવશે અને જલ્દી આ બેઠક યોજાઈને તેમા નિર્ણય લેવામાં આવશે. વેકિસનને માટે આપાતકાલીન ઉપયોગની મંજૂરી આ અઠવાડિયે આપી શકાય છે. 

અધિકારીઓએ કહ્યું છે કે એકવાર મંજૂરી મળ્યા બાદ ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં વેકિસનનું સપ્લાય શરૂ કરવાની આશા રાખવામાં આવી રહી છે. જો ZyCov-D ને મંજૂરી મળે છે તો ભારતમાં પાંચમી વેકિસન હશે. હાલમાં કોવેકિસન, કોવિશિલ્ડ અને સ્પૂતનિક વીને મંજૂરી મળી છે. જો કે સિપ્લાને મોર્ડનાની કોવિડ વેકિસનની મંજૂરી મળી છે પણ દેશમાં તેનો સપ્લાય શરૂ થયો નથી.

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે ઝાયડસની વેકિસનની સાથે જોડાયેલા સવાલ પર કહ્યું છે કે કંપનીએ ત્રીજા તબક્કાનું પરીક્ષણના પરિણામ ગયા અઠવાડિયે DCGIને જમા કરાવ્યા છે. પોલે કહ્યું છે કે આ પરીક્ષણમાં બાળકોને સામેલ કરાયા હતા અને આશા છે કે મૂલ્યાંકન બાદ તેનું સારું પરિણામ આવશે.

(11:02 am IST)