Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

૧૫% ગ્લોબલ -કોર્પોરેટ-ટેકસ દર લાગુ કરવા G20-નાણાપ્રધાનો સહમત

ભારતમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો

વેનિસ (ઇટાલી),તા. ૧૨: ગ્રુપ ઓફ ૨૦ G20 સમુહના દેશોના નાણાપ્રધાનો અહીંથી આયોજિત બે -દિવસીય બેઠકમાં એક વૈશ્વિક કર પ્રણાલી (ગ્લોબલ કોર્પોરેટ ટેકસ રેટ) તૈયાર કરવાની યોજના પર આગળ વધતા આજે સહમત થયાં છે. નવી કર પ્રણાલી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર લઘુતમ કર લાગુ કરશે. નાણાંપ્રધાનો તથા કેન્દ્રીય બેન્કોના ગવર્નરોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કર પ્રણાલીમાં સુધારો કરવાની સર્વાનુમત ઇચ્છા વ્યકત કરી હતી.ભારતમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. જી-૨૦ દેશોના નાણાંપ્રધાનો ટેકસ હેવન (કરમાફીની સુવિધા) પર લગામ મુકવાને સમર્થન આપ્યુ છે. જો આનો અમલ થશે તો એ મલ્ટીનેશનલ કંપનીઓના નફાને દુનિયાભરમાં ઓછા-કરવેરાવાળા ટેકસ -હેવન દેશોમાં સ્થાનાંતરિત કરવાની એવી કંપનીઓની પ્રવૃતિઓ પર નિયંત્રણ મુકશે.

૧૯૯૯માં રચવામાં આવેલ જી-૨૦ ગ્રુપમાં આ દેશો સામેલ છેઃ આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, મેકિસકો, રશિયા, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, સાઉથ કોરિયા, તુર્કી, બ્રિટન, અમેરિકા, યુરોપીયન યુનિયન. સ્પેનને કાયમી મહેમાન તરીકે આમંત્રિત કરાયું છે.

(11:50 am IST)