Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

૨૪ કલાક ચાલે છે રામ મંદિર નિર્માણનું કાર્ય : પાયાની લંબાઇ ૪૦૦ ફૂટ અને ૩૦૦ ફૂટ પહોળાઇ

પાયાના એક ઘન મીટર ક્ષેત્રમાં ૨૪૦૦ કિલોગ્રામ મટેરિયલ ભરાશે

અયોધ્યા તા. ૧૨ : ભવ્ય રામ મંદિરનો પાયો ૫ હજાર વર્ષ સુધી ટકે તેવો રહેશે. આ માટે વૈજ્ઞાનિક પદ્ઘતિએ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેની સાત લેયર બનાવ્યા બાદ સંપૂર્ણ આરસીસી ક્ષેત્રને સમતળ કરવામા આવી રહ્યું છે. એક ફૂટ મોટી લિયર બિછાવી રોલરથી કોમ્પેકટ કરવામા ૪-૫ દિવસ લાગી રહ્યાં છે.

મંદિરના પાયાના નિર્માણનું કાર્ય ૨૪ કલાક ચાલી રહ્યું છે. આ કાર્ય ૧૨-૧૨ કલાકની શિફટમાં કરવામા આવી રહ્યું છે. લગભગ ૧ લાખ ૨૦ હજાર ઘન મીટર કાટમાળ નીકાળવામાં આવી ચૂકયું છે. ઓગસ્ટ મહિના સુધી કામ પૂર્ણ થવાની આશા છે. દિવાલ સીધી કરવા જેટલી જમીનની જરૂર હતી, તે કામ થઈ ચૂકયું છે. પશ્ચિમની દિવાલનો કોણ બરાબર કરવાનું કામ બાકી છે.

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ સંપત રાયે જણાવ્યું કે, મંદિરના વાસ્તુની જવાબદારી અમદાવાદના ચંદ્રકાંત સોમપુરા પર છે. તેઓ વર્ષ ૧૯૮૬થી મંદિર નિર્માણ માટે લાગેલા છે. એલ એન્ડ ટી કંપનીને મંદિર નિર્માણનું કામ સોંપવામા આવ્યું છે, નિર્માતા કંપનીના સલાહકાર તરીકે ટ્રસ્ટે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સની પસંદગી કરી છે.

સંપૂર્ણ મંદિર પથ્થરોથી બનશે. મંદિર ૩ માળનું રહેશે. દરેક માળની ઊંચાઈ ૨૦ ફૂટ રહેશે. મંદિરની લંબાઈ ૩૬૦ ફૂટ અને પહોળાઈ ૨૩૫ ફૂટ છે. જમીન તળથી ૧૬.૫ ફૂટ ઊંચાઈ પર મંદિર બનશે. ભૂતળથી ગર્ભગૃહના શિખરની ઊંચાઈ ૧૬૧ ફૂટ રહેશે.

પાયાના એક ઘન મીટર ક્ષેત્રમાં ૨૪૦૦ કિલોગ્રામ મટેરિયલ ભરવામા આવી રહ્યું છે. તેમાં સિમેન્ટનું પ્રમાણ માત્ર ૨.૫ ટકા છે. તેમાં પત્થર ૧૦ મિ.મી. (૭૬૯ કિલો), પથ્થર પાવડર (૮૫૪ કિલો), પથ્થર કોલસાની રાખ (૯૦ કિલો), થર્મલ પાવર સ્ટેશનથી મળેલ સિમેન્ટ (૬૦ કિલો) અને પાણી (૧૧૫ કિલો) નો ઉપયોગ કરવામા આવી રહ્યું છે.

પાયાની લંબાઈ ૪૦૦ ફૂટ અને ૩૦૦ ફૂટ પહોળાઈ છે. એક લેયર ૧૨ ઈંચ મોટી બિછાવી રોલરથી દબાવવામાં આવે છે, જયારે લેયર ૨ ઈંચ દબાઈ ૧૦ ઈંચની થઈ જાય છે ત્યારે બીજી લેયર બિછાવવામાં આવે છે. આવી ૪૪ લેયરની નીવ બનશે.

(1:00 pm IST)