Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

લોન લેનારાઓ માટે જાણવા જેવા નિયમો

લોન ડીફોલ્ટરોને ધમકાવી ના શકે બેંક કે તેના એજન્ટ

નવી દિલ્હી તા. ૧૨ : ઘણીવાર એવું બનતું જ હોય છે કે કોઇ વ્યકિત ધંધો કરવા અથવા વધારવા અને અંગત જરૂરીયાત માટે પણ લોન લઇ લે છે પણ કયારેક કયારેક કેટલીક એવી મુશ્કેલીઓ આવી પડે છે કે તે લોન નથી ચૂકવી શકતો અને લોન ચૂકવવામાં મોડું થવાથી બેંક તે ગ્રાહકના ઘરે પોતાના કર્મચારી અથવા એજન્ટને મોકલે છે. પણ તે તેને ધમકાવી નથી શકતા.

રિકવરી એજન્ટ દ્વારા લોન ના ચૂકવનાર લોકોને પરેશાન કરવાનો રિપોર્ટ આવ્યા પછી રિઝર્વ બેંકે આ બાબતે થોડા વર્ષો પહેલા બેંકોને બરાબર ખખડાવી હતી. ત્યારે બેંકોએ ગ્રાહકો માટે કોડ ઓફ કમિટમેન્ટ હેઠળ બેસ્ટ પ્રેકટીસનું સ્વેચ્છાએ પાલન કરવાનો નિર્ણય કર્યો હતો.

ડીફોલ્ટના કેસમાં બેંક બાકી રકમ વસૂલવા માટે જે તે વ્યકિતની સંપત્તિ જપ્ત કરી શકે છે. આ પહેલા લોન ચૂકવવા માટે સમય આપવો પડે છે. ૯૦ દિવસ અથવા તેનાથી વધારે સમય સુધી બાકી રકમ ન ચૂકવાય અને જો ડીફોલ્ટરનું ખાતુ એનપીએ શ્રેણીમાં નખાય તો બેંકે ડીફોલ્ટરને ૬૦ દિવસની નોટીસ આપવાની હોય છે. આ ઉપરાંત તેની સંપત્તિના વેચાણ માટે તેને ૩૦ દિવસની જાહેર નોટીસ આપવી પડે છે જેમાં વેચાણ અંગેની સંપૂર્ણ માહિતી હોય.

ડીફોલ્ટર જો ૬૦ દિવસની નોટીસની મુદ્દત દરમિયાન બાકી રકમનું પેમેન્ટ કરવામાં અથવા જવાબ આપવામાં નિષ્ફળ જાય તો બેંક રકમ વસૂલવા માટે સંપત્તિની નીલામી કરે છે. જો ડીફોલ્ટરની સંપત્તિની કિંમત ઓછી આંકવામાં આવી હોય તો તે વાંધો નોંધાવી શકે છે. આ ઉપરાંત તે પોતે સારી કિંમત આપનાર ગ્રાહકને શોધીને બેંક સાથે મેળાપ કરાવી શકે છે.

માની લો કે, ડીફોલ્ટરની સંપત્તિની કિંમત ૧ કરોડ રૂપિયા છે અને તેના પર બેંકનું લેણુ ૫૦ લાખ છે તો આવી સ્થિતિમાં બાકી રકમ અને અન્ય બધા ખર્ચાની વસૂલાત પછી બાકી બચેલા પૈસા બેંકે ડીફોલ્ટરને ચૂકવવા પડે છે.

ડીફોલ્ટર નોટીસની મુદ્દત દરમિયાન સંપત્તિ પર કબ્જાની નોટીસ પર પોતાનો વાંધો રજૂ કરી શકે છે. તેના પર બેંક અધિકારીઓ સાત દિવસમાં જવાબ આપવાનો હોય છે. અધિકારી જો તેનો વાંધો રદ્દ કરે તો તે માટેના યોગ્ય કારણો જણાવવા પડે છે.

બેંક કર્મચારી અથવા એજન્ટે ડીફોલ્ટરની પ્રાઇવસીનું ધ્યાન રાખવાનું હોય છે. તેઓ ડીફોલ્ટરની પસંદગીના સ્થળ પર જ મુલાકાત કરી શકે છે. જો ડીફોલ્ટર મળવાની જગ્યા ના જણાવે તો તે કેસમાં બેંક કર્મચારી અથવા એજન્ટ ડીફોલ્ટરના ઘર અથવા કામના સ્થળે જઇને મળી શકે છે અને તે પણ સવારના ૭ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જ.

(1:02 pm IST)