Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

હિમાચલમાં વાદળો ફાટવાથી તબાહી : ભારે વરસાદ કાગળની જેમ ગાડીઓ તણાઇ : અનેક મકાનો ક્ષતિગ્રસ્ત

ધર્મશાલા સહિતના વિસ્તારોમાં ૭-૮ ઇંચ વરસાદ પૂરપ્રકોપથી ભારે નુકસાન : ટુરીસ્ટો ફસાયા : રવિવાર રાતથી એકધારો ભારે વરસાદ

નવી દિલ્હી તા. ૧૨ : દેશના અલગ-અલગ ભાગમાં વાતાવરણનો કહેર જોવા મળ્યો છે. પર્વતીય વિસ્તારોમાં થઇ રહેલા વરસાદના કારણે સ્થિતિ ખરાબ થઇ છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાથી તબાહી મચી છે. ભાગસુનાગથી સામે આવેલી તસ્વીરમાં જોવા મળે છે કે કઇ રીતે પાણીના તેજ પ્રવાહમાં ગાડીઓ કાગળની જેમ તણાઇ હતી. સોશ્યલ મીડિયા પર ભાગસુનાગનો આ વીડિયો વાયરલ થયો છે.

અચાનક જ વાદળ ફાટવાના કારણે અહીં નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે અને ભારે પ્રવાહના કારણે નદીઓએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એવામાં નદીઓની આસપાસ વસેલા તમામ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર હાલમાં આ ઘટનાના વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યાં છે. વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોઇ શકો છો કે, કેવી રીતે પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ વહેતી જોવા મળી રહી છે. લોકો રસ્તામાં સાઇડમાં ઊભા રહીને તેનો વીડિયો બનાવી રહ્યાં છે અને ખુદને પાણીના તેજ પ્રવાહથી બચાવવાની કોશિશમાં જોડાયેલા છે.

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન વિસ્તાર ભાગસૂમાં સોમવારે વહેલી સવારે વાદળ ફાટ્યું હતું. જેથી આવેલા પૂરના કારણે એક નાના નાળાએ અને નદીનું સ્વરૂપ ધારણ કર્યું અને નાળુ ઓવરફલો થયું હતું. જેમાં લકઝરી કાર સહિતના વાહનો વહી ગયા હતાં.

આ નાળાની બંને તરફ કેટલીક હોટલો પણ આવેલી છે કે જેને ભારે નુકસાન થયું છે. ભાગસૂ ગામે પણ અત્યારે લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. સોશિયલ મીડિયામાં વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે જે સૌ કોઇને હચમચાવી નાખે એવાં છે.

(4:04 pm IST)