Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ખેડૂત નેતાઓનો ચૂંટણી લડવાનો વિકલ્પ ખુલ્લો : યુપી - પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા રાકેશ ટિકૈતનો હુંકાર

સપ્ટેમ્બર મહિનામાં મિટીંગ કરીને રણનીતિ ઘડીશું

નવી દિલ્હી તા. ૧૨ : ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ખેડૂત સંગઠનોએ કમર કસી લીધી છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે ખેડૂત નેતાઓના ચૂંટણી લડવાનો વિકલ્પ ખુલ્લો છે.

ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે સપ્ટેમ્બર મહિનામાં એક મીટિંગ મુજફફરનગરમાં થશે અને ત્યાથી આગળની રણનીતિ નક્કી થશે. સરકાર પાસે ૨ મહિનાનો સમય છે, વાતચીત કરી લો, તેમણે કહ્યુ કે આ મહાપંચાયતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબમાંથી ખેડૂત આવશે અને આગળની રણનીતિ પર વિચાર કરીશું.

રાકેશ ટિકેતે કહ્યુ કે મહાપંચાયત પહેલા ઓગસ્ટ સરકાર વાતચીત કરવા માંગે છે અથવા તેમના મગજમાં કઇક તો છે તેની તૈયારી કરી શકે છે, તેમણે કહ્યુકે આ પંચાયત સંયુકત ખેડૂત મોર્ચાની હશે, ભારતીય કિસાન યૂનિયન જ નહી અને આ પંચાયતની તારીખ ૫ સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.

ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે અમે તો મોટી પંચાયત કરીશું, આગળની વાત સંયુકત કિસાન મોર્ચા કરશે, એક ચેપ્ટર ખતમ થઇ જશે અને આગળના ચેપ્ટરની વાત મુજફફરનગરની જમીનમાં નક્કી થશે.

સંસદમાં કૃષિ કાયદા પાસ થવાની સાથે જ વિવાદ શરૂ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦માં જ પંજાબમાં ખેડૂતોએ નવા કૃષિ કાયદા વિરૂદ્ઘ અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધુ હતું. તે બાદ ૧૪ ઓકટોબરે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખેડૂતોને બેઠક માટે બોલાવ્યા હતા પરંતુ બેઠકમાં કૃષિ મંત્રી સામેલ થયા નહતા, જે બાદ નારાજ ખેડૂત પોતાની માંગની યાદી કૃષિ સચિવ સંજય અગ્રવાલને સોપીને પરત જતા રહ્યા હતા.

તે બાદ ૧૩ નવેમ્બર, ૨૦૨૦માં ફરી સરકારે ખેડૂત નેતાઓને વાતચીત માટે બોલાવ્યા હતા. આ વખતે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ મંત્રી પીયૂષ ગોયલ બેઠકમાં સામેલ થયા હતા પરંતુ એમએસપીની ગેરંટીની માંગ પર વાત બની નહતી. જે બાદ ૨૬ નવેમ્બર ૨૦૨૦માં ખેડૂત દિલ્હી પહોચવા માટે ભેગા થવા લાગ્યા હતા.

૨૭ નવેમ્બરે સ્થિતિ બદલાઇ ગઇ, ખેડૂતોએ દિલ્હીમાં આવતા રોકવા માટે જગ્યાએ જગ્યાએ પોલીસે ખાડા ખોડ્યા હતા, ટિયર ગેસના સેલ છોડ્યા હતા, પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેમાં કેટલાક ખેડૂત અને પોલીસ ઘાયલ થયા હતા. પોલીસે ખેડૂતોને દિલ્હીમાં ઘુસવા દીધા નહતા અને દિલ્હીની સિંધૂ બોર્ડર પર જ રોકી દીધા હતા, છતા પણ ખેડૂતોએ નિર્ણય કર્યો કે હવે દિલ્હીની બોર્ડર પર જ તેમનું વિરોધ પ્રદર્શન ચાલશે, જોત જોતામાં સિંધૂ,ટિકરી, ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનો જથ્થો ભેગો થયો હતો.

સરકારે બાદમાં તેમણે દિલ્હીના બુરાડી મેદાનમાં આવવા માટે કહ્યુ હતુ પરંતુ ખેડૂત રામલીલા મેદાન છોડીને કયાય જવા તૈયાર થયા નહતા.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ઘ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનના નેતાઓને કોવિડ-૧૯ મહામારી અને ઠંડીનો હવાલો આપતા ત્રણ ડિસેમ્બરની જગ્યાએ એક ડિસેમ્બરે વાતચીત માટે આમંત્રણ આપ્યુ હતુ પરંતુ ત્યારથી લઇને ૧૧ બેઠક થઇ ચુકી છે જેનું કોઇ પરિણામ આવી શકયુ નથી.

(4:15 pm IST)