Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અફઘાનમાંથી ભાગ્યા સિવાય ભારત પાસે વિકલ્પ નથીઃ પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રાશિદ

ભારતે ૫૦ કર્મીઓને પાછા બોલાવતા પાક. ગેલમાં : ભારત આખા વિશ્વમાં હાસ્યાસ્પદ બન્યું હોવાનો દાવો

કરાંચી, તા.૧૨ : અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની થઈ રહેલી વાપસી વચ્ચે તાલિબાનનુ જોર વધી રહ્યુ છે.જેના કારણે ગઈકાલે ભારતે કંદહાર ખાતે પોતાનુ વાણિજ્ય દૂતાવાસ બંધ કરી દીધુ છે.

આ દૂતાવાસના ૫૦ કર્મચારીઓ અને સિક્યુરિટી જવાનોને પણ ભારત પાછા બોલાવાયા છે.એ પછી પાકિસ્તાન બહુ ખુશ થઈ ગયુ છે.પાકિસ્તાનના બટકબોલા ગૃહ મંત્રી શેખ રાશિદે ભારત સામે ઝેર ઓકતા કહ્યુ છે કે, ભારત પાસે હવે અફઘાનિસ્તાનમાંથી ભાગી જવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.ભારત આખી દુનિયામાં હવે હાસ્યાસ્પદ બન્યુ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, ભારત પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનમાં રહીને ૪૦ વર્ષથી આતંકવાદને ઉત્તેજન આપી રહ્યુ છે પણ હવે અફઘાનિસ્તાન છોડવા સિવાય ભારત પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.બીજી તરફ પાકિસ્તાન એવી સ્થિતિમાં છે કે, અમેરિકા હોય કે ચીન પણ કોઈ તેને નજર અંદાજ કરી શકે તેમ નથી. રાશિદે આગળ કહ્યુ હતુ કે, તાલિબાન પહેલાથી વધારે સમજદાર થઈ ગયુ છે.તાલિબાન પર દબાવ વધારવો હશે તો ભારતે તેની સાથે વાતચીત નો રસ્તો અપનાવવો પડશે.

આ પહેલા પાકિસ્તાની પીએમ ઈમરાનખાને પણ કહ્યુ હતુ કે, અમેરિકન સેનાની ઘરવાસપી બાદ બહુ બદલાવો થશે અને તેમાં ભારતને સૌથી વધારે ગુમાવવાનો વારો આવશે.

(8:46 pm IST)