Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ખેડૂતે ૧૯ લાખ રૂપિયામાં ખરીદ્યો આખલો : તે બુલ ટેમિંગ ઇવેન્‍ટ્‍સનો સ્‍ટાર છે

આ આખલો ૮ વર્ષનો છે અને તેને અત્‍યાર સુધીમાં એક પણ સ્‍પર્ધામાં પકડી શકાયો નથી : તેની આ ખાસિયતના કારણે જ તે આટલા બધા રૂપિયામાં વેચાયો છે : સામાન્‍ય રીતે ૭૫ હજારથી ૧ લાખ રૂપિયામાં આખલા વેચાતા હોય છે

ચેન્નઈ,તા. ૧૧: તમિળનાડુની પરંપરાગત રમત જલ્લીકટ્ટુનો ઘણો ક્રેઝ ધરાવતા એક ખેડૂતો ૧૯ લાખ રૂપિયામાં એક આખલો ખરીદ્યો છે. આ આખલાનું નામ બ્રહ્મા છે. ઉત્તર કર્ણાટકમાં વેચનારો આ અત્‍યાર સુધીનો સૌથી મોંઘો આખલો હોવાનું જણાવાઈ રહ્યું છે. સામાન્‍ય રીતે ૭૫ હજારથી ૧ લાખ રૂપિયામાં આખલા વેચાય છે. હંગલના વાસના ગામના મલ્લેશપ્‍પા હલગજ્જનવરાએ ચાર વર્ષ પહેલા ૧.૨૫ લાખ રૂપિયામાં આ આખલો ખરીદ્યો હતો. હવે તેની પાસેથી અન્‍ય એક ખેડૂતે આ આખલો ૧૯ લાખ રૂપિયા જેટલી કિંમત આપીને ખરીદી લીધો છે.

બુલ-ટેમિંગ ઈવેન્‍ટ્‍સમાં એક સ્‍ટાર, ૮ વર્ષના આ આખલાને એક પણ ઈવેન્‍ટમાં હજુ સુધી પકડી શકાયો નથી. હાવેરી અને અન્‍ય જિલ્લામાં ઘણા એવોર્ડ જીતી ચૂકેલા આ આખલાના ઘણા પ્રશંસકો છે. મલ્લેશપ્‍પાએ દાવો કર્યો કે, ‘જ્‍યારે મેં તેને કોબ્‍બરી હોરી (આખલાને વશમાં કરવાની) સ્‍પર્ધા માટે તાલીમ આપી, તો તેણે ૮-૯ સેકન્‍ડમાં ૨૫૦ મીટરનું અંતર કાપ્‍યું. તેની ઝડપ ઘણી વઘારે છે અને તેને પકડવો સરળ નથી.'

તમિળનાડુના વેલ્લોર જિલ્લામાં રહેતા કટપાડીના નવીને આ આખલા માટે એડવાન્‍સમાં ૬ લાખ રૂપિયા ચૂકવ્‍યા છે. તેણે જણાવ્‍યું કે, આ આખલો અમૃત મહેલ અને હલ્લીકરની મિશ્રિત નસ્‍લ છે. નવીને જણાવ્‍યું કે, તે જલ્લીકટ્ટુને લઈને ઘણો ઉત્‍સાહિત રહે છે. તેણે જલીકટ્ટુ દરમિયાન બ્રહ્માના પ્રદર્શને જોયું અને તેનાથી પ્રભાવિત થયો. ત્‍યારથી તેને આ આખલો પસંદ આવી ગયો હતો.

નવીન ઈચ્‍છતો હતો કે, બ્રહ્મા તેની પાસે હોય, એટલે તેણે તેને ખરીદવા માટે મલ્લેશપ્‍પાનો સંપર્ક કર્યો. પરંતુ મલેશપ્‍પા બ્રહ્માને વેચવા તૈયાન ન હતો. જયારે નવીને બ્રહ્મા માટે મોં માગી રકમ આપવાની વાત કરી તો તે તૈયાર થઈ ગયો. હવે નવીન તમિળનાડુમાં જલ્લીકટ્ટુ સ્‍પર્ધાઓમાં બ્રહ્માનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યો છે. જોકે, બીજી તરફ બ્રહ્માના સોદાથી તેના પ્રશંસકોને ઘણી નિરાશા થઈ છે. તેઓ મલ્લેશપ્‍પાને આ સોદો રદ કરવાની અપીલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, બ્રહ્મા વિના બુલ-ટેમિંગ ઈવેન્‍ટની કલ્‍પના થઈ શકે તેમ નથી.

(10:34 am IST)