Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીઓ પર પ્રતિબંધની કોઈ વિચારણા નથી

સસ્તા મોબાઈલ પર પ્રતિબંધ મુદ્દે સરકારની સ્પષ્ટતાઃ ત્રિમાસિક ગાળામાં ૧૫૦ ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોનનો ભારતના સ્માર્ટફોનના વેચાણ વોલ્યુમમાં ત્રીજા ભાગનો ફાળો

નવી દિલ્હી, તા.૧૧: મોદી સરકાર દેશમાં સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે તથા ચાઈનીઝ કંપનીઓને સકંજામાં લેવા માટે દેશમાં ૧૨,૦૦૦થી ઓછી કિંમતના સસ્તા ચાઈનીઝ સ્માર્ટફોન્સ પર પ્રતિબંધ મુકી શકે છે તેવા અહેવાલો વચ્ચે એક મહત્વની સ્પષ્ટતા સામે આવી છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીના કહેવા પ્રમાણે સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીઓને પ્રતિબંધિત કરવા માટેની કોઈ જ યોજના નથી. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય પાસે આ પ્રકારનો કોઈ જ પ્રસ્તાવ વિચારણામાં નથી.

ઉલ્લેખનીય છે કે, મેક ઈન ઈન્ડિયાના નામે અનેક પ્રકારની લ્હાણી અને છૂટ મળતી હોવા છતાં પણ ભારતીય દેશી કંપનીઓ સ્થાનિક સ્માર્ટફોન માર્કેટ પર કબ્જો નથી જમાવી શકી. ચાઈનીઝ કંપનીઓ તરફથી મળતી તીવ્ર સ્પર્ધાને કારણે અનેક ભારતીય કંપનીઓને અસ્તિત્વ ટકાવવું ભારે પડી રહ્યું છે.

માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઇન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર જૂન ૨૦૨૨ સુધીના ત્રિમાસિક ગાળામાં ૧૫૦ ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોને ભારતના કુલ સ્માર્ટફોન માર્કેટના વેચાણ વોલ્યુમમાં ત્રીજા ભાગનો ફાળો આપ્યો હતો અને તેમાં ચીનની કંપનીઓનો હિસ્સો ૮૦% જેટલો હતો.

(10:03 pm IST)