Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

CWG સમાપ્ત થયા બાદ 2 પાકિસ્તાની બોક્સર ગુમ : ખેલાડીઓના પાસપોર્ટ હજુ ફેડરેશન પાસે

શ્રીલંકા બાદ હવે બર્મિંગહામથી પાકિસ્તાની ખેલાડીઓ ગુમ થતાં ખળભળાટ : POAએ કેસની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી

 નવી દિલ્લી તા.11 : કોમનવેલ્થ ગેમ્સ 2022ની સમાપ્તિ બાદથી બર્મિંગહામમાં શ્રીલંકા બાદ હવે બે પાકિસ્તાની બોક્સર ગુમ થઈ ગયા છે. આ સમાચારની પુષ્ટિ કરતા, પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના સેક્રેટરી નાસેર તાંગે જણાવ્યું હતું કે, બોક્સર સુલેમાન બલોચ અને નઝીરુલ્લાહ ટીમ ઈસ્લામાબાદ જવાના કલાકો પહેલા ગુમ થઈ ગયા હતા.

ફેડરેશનના અધિકારી તાંગે જણાવ્યું હતું કે તેમના પાસપોર્ટ સહિતના પ્રવાસના દસ્તાવેજો હજુ પણ ફેડરેશનના અધિકારીઓ પાસે છે જેઓ બોક્સિંગ ટીમ સાથે ગેમ્સમાં ગયા હતા. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે યુકેમાં પાકિસ્તાન હાઈ કમિશન અને લંડનમાં સંબંધિત અધિકારીઓને સુલેમાન અને નઝીરુલ્લાના ગુમ થવા અંગે જાણ કરી છે. કોમનવેલ્થની બોક્સિંગ સ્પર્ધામાં પાકિસ્તાન એકપણ મેડલ જીતી શક્યું નથી. દેશે આ રમતોમાં આઠ મેડલ જીત્યા હતા, જેમાં વેટલિફ્ટિંગ અને ભાલા ફેંકમાં બે ગોલ્ડનો સમાવેશ થાય છે.

તાંગે કહ્યું કે ગુમ થયેલા બોક્સરના દસ્તાવેજો પાકિસ્તાનથી આવતા તમામ ખેલાડીઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશન (POA) એ ગુમ થયેલા બોક્સરોના કેસની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. રાષ્ટ્રીય તરવૈયા ફૈઝાન અકબર હંગેરીમાં ફિના વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ગુમ થયાના બે મહિના પછી હવે બોક્સર ગાયબ થવાની ઘટના આવી છે. જો કે, અકબર ચેમ્પિયનશીપમાં ભાગ લેતો પણ દેખાયો ન હતો અને બુડાપેસ્ટ પહોંચ્યાના થોડા કલાકો પછી તેના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો હતો. જૂનથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

આ પહેલા શ્રીલંકાના ખેલાડીઓ આર્થિક સંકટના કારણે બર્મિંગહામમાં ગુમ થયા હતા. શ્રીલંકાની પ્રથમ જુડો ખેલાડી ચમિલા દિલાની, તેના મેનેજર એસેલા ડી સિલ્વા અને કુસ્તીબાજ શાનિથ બર્મિંગહામમાં ગુમ થયા હતા. આ પછી એક પછી એક સાત ખેલાડીઓ ગાયબ થઈ ગયા જેના કારણે શ્રીલંકન ટીમની મુશ્કેલી વધી ગઈ. આ તમામ ખેલાડીઓના પાસપોર્ટ સત્તાવાર ટીમ પાસે જ છે. ફેડરેશનના અધિકારીઓએ જણાવ્યું કે આ ખેલાડીઓ નોકરી કરવાના ઈરાદાથી બર્મિંગહામમાં રોકાયા હતા. તેની પાસે હાલમાં છ મહિનાનો વિઝા છે.

 

(10:57 pm IST)