Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

CBIએ TMC નેતા અનુબ્રત મંડલની પ્રાણીઓની તસ્કરી કેસમાં 10 દિવસની કસ્ટડી મેળવી

સીબીઆઈએ 14 દિવસની કસ્ટડી માંગી જેમાથી કોર્ટે 10 દિવસની કસ્ટડી મંજૂર કરી : TMC નેતાની પશુ તસ્કરીના કેસમાં થઈ છે ધરપકડ

નવી દિલ્લી તા.11 : તૃણમૂલ કોંગ્રેસના નેતા અનુવ્રત મંડલની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પશુઓની દાણચોરી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જે બાદ CBIએ અનુબ્રત મંડલને આજે આસનસોલની વિશેષ CBI કોર્ટમાં 14 દિવસની કસ્ટડીની માંગ સાથે રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે 10 દિવસની કસ્ટડી મંજૂર કરી છે.

અનુબ્રત મંડલને કોર્ટમાં રજૂ કરતાં લોકોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. કોર્ટ પાસે ચંપલ બતાવીને લોકોએ ‘ચોર, ચોર’ના નારા લગાવ્યા. જણાવી દઈએ કે, આજે સવારે સીબીઆઈની એક ટીમ ટીએમસીના બીરભૂમ જિલ્લા પ્રમુખ મંડળના ઘરે પહોંચી હતી. એક કલાકની પૂછપરછ બાદ સીબીઆઈએ મંડલની ધરપકડ કરી હતી. કેન્દ્રીય દળોના કર્મચારીઓ સાથે ઓછામાં ઓછા આઠ અધિકારીઓની સીબીઆઈ ટીમ સવારે 10 વાગ્યે માંડલના નિવાસસ્થાને પહોંચી અને તપાસના ભાગરૂપે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

અગાઉ, તૃણમૂલ નેતા અનુબ્રત મંડલ નાદુરસ્ત તબિયતને ટાંકીને બે વખત કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. અનુબ્રત મંડલની ધરપકડ કર્યા બાદ સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે પ્રાણીઓની દાણચોરી કૌભાંડની તપાસમાં અસહકાર કરવા બદલ તેની ધરપકડ કરી છે. અમને આ કૌભાંડમાં મંડલની સીધી સંડોવણી મળી છે. અમે આજે તેની પૂછપરછ કરીશું અને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરીશું

તેમણે કહ્યું કે, CBIએ અનુબ્રત મંડલની ધરપકડ કરતા પહેલા નોટિસ જારી કરી હતી. તેમના અંગરક્ષક સહગલ હુસૈનની પણ કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીના અધિકારીઓએ તૃણમૂલ નેતાના ઘણા નજીકના સાથીઓના ઘરે પણ દરોડા પાડ્યા છે. મંડલની સીબીઆઈ દ્વારા અગાઉ પણ બે વખત પૂછપરછ કરવામાં આવી છે.

 

(11:42 pm IST)