Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પરિણીતાનું લગ્ન જીવન 6 માસના ટૂંકા સમયગાળામાં ભંગાણના આરે : પતિ પર લગાવ્યો અજીબોગરીબ આરોપ

સનફાર્મા રોડની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે ફરીયાદ નોંધાવી : કેનેડાના વિઝા ખર્ચ માટે પીયરમાંથી પાંચ લાખ લઈ આવવા દબાણ

નવી દિલ્લી તા. 11 : કેનેડા સ્થાયી થયેલાં NRI સાથે લગ્ન કરનારી શહેરના સનફાર્મા રોડ વિસ્તારની પરિણીતાનું લગ્ન જીવન 6 માસના ટૂંકા સમયગાળામાં ભંગાણના આરે આવ્યુ છે. પતિએ આજદિન સુધી શરીર સબંધ બાંધ્યો નથી તેવો ગંભીર આક્ષેપ કરતી 29 વર્ષીય પરિણીતાએ પતિ તેમજ મુંબઈ ખાતે રહેતા સાસરીયાઓ સામે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરીયાદ નોંધાવી છે.

હાલમાં શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે, મુંબઈ કાંદીવલી ઈસ્ટમાં રહેતાં આયુશ સાથે ગત ડિસેમ્બર 2021માં લગ્ન થયુ હતુ. લગ્ન વખતે પીયરજનો તરફથી 25 તોલા સોનુ તેમજ રોકડા રૂ.5 લાખ અને લેપટોપ આપ્યું હતું. સુહાગરાતે અલકાપુરીની હોટલમાં રોકાયા હતા. તે દિવસે થાક લાગ્યો હોવાનું કારણ આપીને પતિ સૂઈ ગયા હતા. મુંબઈ ખાતેની સાસરીમાં ગયા ત્યારે શરુઆતના તબક્કે પતિ તેમના કુટુંબીજનો સાથે મોડા સુધી વાતો કરવા બેસી રહેતા હતા અને મધરાતે બેડરુમમાં આવીને સૂઈ જતા હતા. તા. 26મી ડિસેમ્બર 2021ના રોજ હનીમૂન માટે માલદિવ ગયા હતા. આ ટૂર દરમીયાન પણ પતિએ શરીર સબંધ બાંધ્યો નહતો. પાછા મુંબઈ આવ્યા બાદ થોડાક સમયગાળા પછી પતિ કેનેડા ચાલ્યા ગયા હતા. પરિણીતાનો મુખ્ય આક્ષેપ છે કે શરીર સબંધ બાબતની હકીકત સાસરીયાઓએ છૂપાવીને લગ્ન કર્યા છે. બીજી તરફ પરીણીતાના કેનેડાના વિઝા માટેના ખર્ચ પેટે રૂ. પાંચ લાખ પીયરમાંથી લઈ આવવા દબાણ કરાતુ હતુ અને ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના કારણે પરિણીતાએ પહેરેલા કપડે ઘરેથી નીકળવાની ફરજ પડી હતી. હાલમાં પીયરમાં રહેતી પરિણીતાની કેફીયતના આધારે જે પી રોડ પોલીસે પતિ તેમજ સાસરીયાઓ સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

(12:35 am IST)