Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અશરફ ગનીએ અફઘાનિસ્તાનની સ્થિતિ માટે પૂર્વ અમેરિકી રાજદૂત ઝાલ્મે ખલીલઝાદને જવાબદાર ઠેરવ્યા !

તાલિબાનના હાથમાં અફઘાનિસ્તાનની સત્તા આવતા ગની USA ભાગી ગયા : કહ્યું - દોહામાં ખલીલઝાદેએ તાલિબાન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

નવી દિલ્લી તા.12 : અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ એક વર્ષ બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં તાલિબાનના શાસન માટે અમેરિકા જવાબદાર છે. ગનીએ અફઘાનિસ્તાનની સ્થિતિ માટે પૂર્વ અમેરિકી રાજદૂત ઝાલ્મે ખલીલઝાદને જવાબદાર ઠેરવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દોહામાં ખલીલઝાદેએ તાલિબાન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેનાથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોના પરત જવાના માર્ગ મોકળા થયા હતા. અશરફ ગનીએ ખલીલઝાદને ભ્રષ્ટ અને અસમર્થ ગણાવ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાને 15મી ઓગસ્ટ 2021ના સત્તા સંભાળી છે અને ત્યારથી અશરફ ગની સંયુક્ત અરબ અમીરાતમાં જીવન વ્યતિત કરી રહ્યાં છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના વરિષ્ઠ સલાહકારો દેશ છોડીને ભાગી ગયા હતા. તેમના પર દેશમાંથી લાખો રૂપિયા લઈને દેશ છોડવાનો આરોપ છે. જોકે અમેરિકી સરકારના અહેવાલમાં ગની અને તેમના સલાહકારો સામેના આક્ષેપો સાચા ગણાતા નથી.

અફઘાનિસ્તાન પુનઃનિર્માણ માટેના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગની ખાલી હાથે કાબુલથી ભાગ્યા કારણ કે તેમને અચાનકથી શહેર છોડવું પડ્યું હતું. કહેવામાં આવે છે કે ગની પાસે પોતાનું પાસપોર્ટ લેવાનો પણ સમય ન હતો.

(12:37 am IST)