Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

નીતિશે સાથ છોડતા NDAને નુકશાન : UPAને ફાયદો

જો ૧૦ ઓગષ્‍ટે સામાન્‍ય ચૂંટણીઓ યોજાઇ હોત તો NDAને લગભગ ૨૧ બેઠકોનું નુકસાન થઇ શકે છે અને માત્ર ૨૮૬ બેઠકો પર જ સંતોષ માનવો પડશે : C વોટર સર્વે

નવી દિલ્‍હી,તા. ૧૨ : જો આજની પરિસ્‍થિતિમાં દેશમાં સામાન્‍ય ચૂંટણીઓ યોજાય તો બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) ના ભાગલા પડ્‍યા બાદ બીજેપીના નેતૃત્‍વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને પરિણામ ભોગવવું પડી શકે છે. બીજી તરફ યુપીએ ફાયદામાં રહી શકે છે. જો બિહારમાં જેડીયુનું વિભાજન ન થયું હોત, જો ૧ ઓગસ્‍ટે સામાન્‍ય ચૂંટણી યોજાઈ હોત તો એનડીએને ૩૦૦થી વધુ બેઠકો મળી હોત. ઈન્‍ડિયા ટુડે ગ્રુપ અને સી વોટર દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં આ અનુમાન લગાવવામાં આવ્‍યું છે.

સર્વેમાં ૧ ઓગસ્‍ટથી ૧૦ ઓગસ્‍ટ વચ્‍ચેની સ્‍થિતિનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું છે. સર્વે મુજબ, જો ૧ ઓગસ્‍ટે સામાન્‍ય ચૂંટણીઓ યોજાઈ હોત તો એનડીએને ૩૦૭ બેઠકો મળી હોત, જયારે યુપીએને ૧૨૫ બેઠકો મળી હોત જયારે અન્‍યને ૧૧૧ બેઠકો મળવાની અપેક્ષા હતી. હવે જયારે નીતીશ કુમાર એનડીએથી અલગ થઈ ગયા છે ત્‍યારે સ્‍થિતિ અલગ થઈ ગઈ છે. જો કે ભાજપને કોઈ મોટું નુકસાન થાય તેમ લાગતું નથી.

સર્વે અનુસાર, જો ૧૦ ઓગસ્‍ટે સામાન્‍ય ચૂંટણીઓ યોજાઈ હોત તો NDAના લગભગ ૨૧ બેઠકોનું નુકસાન થઈ શકે છે અને માત્ર ૨૮૬ બેઠકો પર જ સંતોષ માનવો પડશે. બીજી તરફ, યુપીએને ૨૧ બેઠકોના ફાયદા સાથે ૧૪૬ બેઠકો મળી શકી હોત. અન્‍યના ખાતામાં માત્ર ૧૧૧ બેઠકો જ આવવાનો અંદાજ છે. સર્વેનો મતલબ સ્‍પષ્ટ છે કે બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમારની વિદાય બાદ ભાજપને નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે કે વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ૩૦૩ બેઠકો સાથે અગાઉની બહુમતી સાથે ફરી સત્તામાં વાપસી કરી હતી.  ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને ૩૫૩ બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીમાં સ્‍પષ્ટ બહુમતી માટે ઓછામાં ઓછી ૨૭૩ કે તેથી વધુ બેઠકો હોવી જરૂરી છે. તે મુજબ સર્વેના અંદાજો પર નજર કરીએ તો આજની પરિસ્‍થિતિમાં ભાજપને ચોક્કસ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સત્તાનું સિંહાસન તેની પાસે જતું જણાય છે.

(11:22 am IST)