Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ઇન્‍ડિયા સ્‍ટાન્‍ડર્ડ નિયમોએ અલંગના ધંધાની કમર તોડી

શીપનું સ્‍ટીલ વેચવુ પડે છે ભંગારના ભાવે સરકારને વચ્‍ચે પડવા વેપારીઓની અપિલ

નવી દિલ્‍હી, તા.૧૨: જૂના જહાજો ભાંગવાનો અલંગનો ધંધો આપણા પાડોશી દેશો પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશના હાથમાં જઇ રહ્યો છે ત્‍યારે ગુજરાતમાં આવેલ અલંગને ભૂખે મરવાનો વારો આવ્‍યો છે. કવોલીટી કંટ્રોલના અજૂગતા નિયમોના કારણે જહાજોમાંથી નીકળતુ જે સ્‍ટીલ પહેલા ડાયરેકટર રી-રોલીંગ મીલોમાં મોકલાતુ હતુ તેના ગ્રાહકો નથી મળતા. આના કારણે શીપ બ્રેકીંગ યાર્ડ અત્‍યારે મોટી મુશ્‍કેલી અનુભવી રહ્યુ છે.

જહાજ ઉત્‍પાદકો અનુસાર, અલંગમાં ઓછા જહાજો આવવાનું મુખ્‍ય કારણ એ છે કે ત્‍યાં જહાજ માલિકોને વધારે પૈસા નથી ચુકવાતા કેમ કે તેઓ સ્‍ટીલ વેચી નથી શકતા. જુલાઇમાં અલંગમા અત્‍યાર સુધીમાં સૌથી ઓછા ફકત ત્રણ જહાજો ભંગાવા માટે આવ્‍યા હતા.

ભંગાયેલ જહાજમાંથી નીકળતુ સ્‍ટીલ ટીએમટી બાર, ટીએમટી રોડસ, સ્‍ટ્રકચરલ સ્‍ટીલ, બાંધકામનું સ્‍ટીલ, પ્‍લેટ, શીપ્‍સ, વાયર રોડસ વગેરે બનાવવામાં વપરાય છે. બ્‍યુરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ (બીઆઇએસ)એ ૨૦૧૨માં ઉત્‍પાદકો માટે કેટલાક નિયમો ફરજીયાત બનાવી દીધા છે.

શીપ રીસાયકલીંગ એસોસીએશન (ઇન્‍ડિયા) દ્વારા કેન્‍દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલયને છેલ્લા ૧૦ વર્ષમાં કરેલ રજૂઆતો અનુસાર, જહાજ ભાંગનારાઓ આમાંથી નીકળતા સ્‍ટીલની મેટલર્જી હીસ્‍ટરી રજૂ નથી કરી શકતા જે અત્‍યારે કાયદા હેઠળ ફરજીયાત કરી દેવાઇ છે.

એસોસીએશનના મંત્રી હરેશ પરમારે કહ્યું કે જહાજમાંથી નીકળતા દરેક ભાગની મેટલર્જી હીસ્‍ટરી રજૂ કરવી તાર્કિક રીતે શકય જ નથી કેમ કે જહાજ બનાવનારાઓ જહાજના વિવિધ ભાગો વિવિધ દેશોમાંથી વર્ષો પહેલા ખરીદેલા હોય છે. આ એના જેવુ છે કે મીનરલ વોટરની બોટલના પાણીનો સ્‍ત્રોત આપણે જાણી ના શકીએ પણ એટલુ કહી શકીએ કે તે સારી ગુણવત્તાનું છે. આવી જ વાત અલંગની છે. અમે સરકારને વર્ષોથી કહી રહ્યા છીએ કે અમારા મટીરીયલનું લેબોરેટરી ટેસ્‍ટીંગ કરાવો, તેના ઉત્‍પાદનનો ઇતિહાસ રજૂ કરવાનું નિરર્થક છે.

જહાજ ભાંગનારાઓ અત્‍યારે સ્‍ટીલને ભંગારમાં વેચી રહ્યા છે જેના કારણે તેમને રોલીંગ મીલ કરતા બહુ ઓછા ભાવો મળે છે.

(11:06 am IST)