Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ઇન્‍ડિયા ટુડે અને સી-વોટર સર્વેનું તારણ

આજે લોકસભાની ચુંટણી થાય તો મહારાષ્‍ટ્રમાં ભાજપા-શીંદે જૂથને મોટુ નુકશાન

મુંબઇઃ શિવસેનાના બે ઉભા ફાડીયા થયા પછી મહારાષ્‍ટ્રમાં પરિવર્તન થયુ હતું. બળવાખોરોની આગેવાની કરનાર એકનાથ શિંદે મુખ્‍યમંત્રી બન્‍યા અને ફડણવીસને નાયબ મુખ્‍યમંત્રી બનાવાયા હતા. પરિવર્તન પછી ભાજપાનો ઇરાદો ઉધ્‍ધવ ઠાકરેના નેતૃત્‍વવાળી શિવસેનાને ખતમ કરીને શિંદે જૂથની મદદથી ૨૦૨૪માં રાજયમાં લોકસભા અને વિધાનસભા ચુંટણી એકલા હાથે જીતવાનો છે. જો કે એક તાજા સર્વે અનુસાર, ભાજપા અને શિંદે જૂથને મોટો ઝટકો લાગી શકે છે.

ઇન્‍ડિયા ટુડે અને સી વોટરે એક સર્વે કર્યો છે તેના અનુસાર જો આજે લોકસભાની ચુંટણી થાય તો ભાજપા અને શિંદે જૂથને મોટો ફટકો પડી શકે છે. મહાવિકાસ અઘાડી જો મળીને ચુંટણી લડે તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસને મોટો ફાયદો થાય તેવી જોરદાર શકયતા છે.

આ સર્વેના પરિણામો ચોંકાવનારા છે. તેનાથી એવુ અનુમાન થઇ શકે છે કે રાજયના લોકોને ભાજપા અને શિંદે જૂથની સરકાર નથી ગમી. સર્વે અનુસાર, જો આજે લોકસભા ચૂંટણી થાય તો મહારાષ્‍ટ્રની ૪૮ બેઠકોમાંથી યુપીએને ૩૦ અને એનડીએને ૧૮ બેઠકો મળી શકે છે. ભાજપા માટે આ મોટા ઝટકા સમાન છે કેમ કે ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપા અને શિવસેનાને ૪૮માંથી ૪૨ બેઠકો મળી હતી.

જો કે આગામી સમયમાં પરિસ્‍થિતી બદલાય તેવી શકયતાઓ પણ નકારી ના શકાય. જો સુપ્રીમ કોર્ટ શીંદે જૂથના ધારાસભ્‍યોને અયોગ્‍ય ના ઠેરવે તો શિવસેના ઉધ્‍ધવ ઠાકરેના હાથમાંથી છટકી શકે છે. આ પરિસ્‍થિતીમાં લોકસભા ચુંટણીના સમીકરણો બદલાઇ પણ શકે છે.

(1:44 pm IST)