Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બોલિવૂડની ૨૫ સેલિબ્રિટિસને સાણસામાં લેવા NCB સજ્જ

દિલ્હીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની મિટિંગ મળી : સુશાંત આત્મહત્યાની તપાસમાં ડ્રગ્સ એંગલ બાદ ડ્રગ્સના ચલણને લઈ એનસીબી સેલિબ્રિસની પૂછપરછ કરી શકે

નવી દિલ્હી, તા. ૧૧ : સુશાંતના મોતના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ હવે આ મામલે ૨૫ જેટલા બોલિવૂડ સેલિબ્રિટીઝને સમન્સ પાઠવવાની પૂરી તૈયારી કરી લીધી છે. સુશાંત કેસ દરમિયાન ડ્રગ્સ એંગલ બહાર આવતા એનસીબીએ તેની તપાસ શરુ કરી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા અને તેના ભાઈ સહિત કુલ છ લોકોની ડ્રગ્સ એંગલમાં ધરપકડ કરી છે, અને તમામની જામીન અરજી આજે બીજીવાર ફગાવાઈ છે. રિયા અને તેના ભાઈ સહિત છ લોકોની પૂછપરછમાં બોલિવૂડના ૨૫ જેટલા સેલિબ્રિટીઝના નામ પણ બહાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રિયાએ પણ પોતાની પૂછપરછમાં ધડાકો કરતાં જણાવ્યું હતું કે બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝ ડ્રગ્સ લે છે. તેવામાં હવે જે લોકોના નામ બહાર આવ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી શકે છે. એક અહેવાલ પ્રમાણે એનસીબી માત્ર અભિનેતા-અભિનેત્રી જ નહીં, પરંતુ બોલિવૂડના ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ સહિતના લોકોને પૂછપરછ માટે બોલાવી શકે છે.

       આ લોકોને સમન્સ પાઠવવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે, અને તેના માટે દિલ્હીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની મિટિંગ પણ મળી હતી. એનસીબીએ કોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરુર છે. માત્ર સુશાંતના કેસ સાથે જ નહીં, પરંતુ મુંબઈમાં અને ખાસ કરીને બોલિવૂડમાં ડ્રગ્સના મૂળ શોધવા માટે આ તપાસ જરુરી છે. ઉલ્લેખનીય છે કે, રિયા અને શૌવિકે પોતાની પૂછપરછમાં અનેક બોલિવૂડ સેલેબ્સના નામ આપ્યા હતા. ત્યારે એનસીબી હવે પોતાની તપાસના દાયરાને વધારીને ૨૫ જેટલા બોલિવૂડ સેલેબ્સને પૂછપરછ માટે બોલાવી શકે છે.

       સુશાંત કેસની તપાસ વખતે બોલિવૂડ ડ્રગ માફિયા લિંક બહાર આવી હતી. અત્યારસુધી પોલીસે ડ્રગ પેડલર સહિત સુશાંતના મેનેજર અને રિયા ચક્રવર્તીના ભાઈ તેમજ રિયાની ધરપકડ કરી છે. સુશાંત સિંહ કેસની તપાસ ચાલુ છે તે દરમિયાન જ અભિનેત્રી કંગના રનૌતે પણ બોલિવૂડના કેટલાય સેલિબ્રિટી ડ્રગ્સ લેતા હોવાનો ધડાકો કરીને સૌને ચોંકાવી દીધા હતા.

         કંગનાએ તો રણવીર સિંહ, રણબીર કપૂર અને વિકી કૌશલ જેવા કલાકારોને પોતાનો બ્લડ ટેસ્ટ કરાવીને તેઓ ડ્રગ્સ નથી લેતા તેવી સાબિતી આપવા પણ કહ્યું હતું. કંગનાએ જણાવ્યું હતું કે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આ અભિનેતાઓ ડ્રગ્સ લે છે, તેવામાં તેમણે પોતાની જાતને ક્લીન સાબિત કરવા પોતાના બ્લડ રિપોર્ટ કરાવીને તેમને ફોલો કરતા લાખો યુવાનોને પ્રેરણા આપવી જોઈએ.

(12:00 am IST)