Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ચીનને સખણું રાખવા ભારતની જાપાન સાથે સૈન્ય સહાય ડિલ

મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ એરેન્જમેન્ટનો કરાર : કરાર હેઠળ ભારતને અમેરિકાના સુબિક, ડિયાગો ગાર્સિયા, ગુઆમ બેઝ પર ફ્યુલ ભરવા, અવર જવર કરવા મંજૂરી

નવી દિલ્હી, તા. ૧૧ : ચીનના અડપલાંના જવાબમાં ભારતે હવે જાપાન સાથેના સંબંધો વધારવા નક્કી કર્યું છે.  આ સંદર્ભમાં ભારતે જાપાન સાથે કરેલો કરાર બહુ મહત્વનો અને ચીનનું ટેન્શન વધારવાનારો મનાઈ રહ્યો છે. ભારત અને જાપાન વચ્ચે જે કરાર થયો છે તે પ્રમાણે યુધ્ધ જેવી સ્થિતિમાં બંને દેશ એક બીજાને સૈન્ય સહાય પૂરી પાડશે. આ જ પ્રકારની ડીલ ભારત અમેરિકા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા સાથે કરી ચુક્યું છે.

ભારત અને જાપાન વચ્ચેના કરારને મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ એરેન્જમેન્ટ નામ અપાયું છે.આ પ્રકારની ડીલ ભારતે ૨૦૧૬માં અમેરિકા સાથે કરી હતી.જે હે્ઠળ ભારત અને અમેરિકા એક બીજાના લશ્કરી થાણાનો ઉપયોગ કરવા માટે સંમત થયા હતા.આ કરાર હેઠળ ભારતને અમેરિકાના ગુઆમ, ડિયાગો ગાર્સિયા અને સુબિક બેઝ પર ફ્યુલ ભરવા અને અવર જવર કરવા માટે અનુમતિ છે.

 હવે ભારત અને જાપાન વચ્ચે થયેલા કરારને પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.જે પ્રમાણે ભારતીય સેનાને જાપાની સેના પોતાના બેઝ પરથી જરુરુ સપ્લાય, સામાન અને સર્વિસિંગની સુવિધા પણ આપશે અને આ જ સુવિધા જાપાનને ભારતના બેઝ પર પણ મળશે. જાપાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, બંને દેશની સેનાઓ વચ્ચે આ કરારથી લશ્કરી ક્ષેત્રે સહયોગ વધશે.  ભારતે ૨૦૧૮માં આ પ્રકારનો કરાર ફ્રાંસ સાથે કર્યો છે.ઓસ્ટ્રેલિયા સાથે પણ ઈન્ડિયન ઓસન અને પેસિફિક સમુદ્રમાં આવેલા બેઝના ઉપયોગ માટે કરાર થયા છે. ચીને પાકિસ્તાન, કમ્બોડિયા જેવા દેશો સાથે આ પ્રકારના કરાર કરી રાખ્યા છે.હવે ભારત પણ ચીનને તે જ પ્રમાણે જવાબ આપીને ઘેરી રહ્યું છે.

(12:00 am IST)