Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુશાંત કેસ : બોલિવૂડ ડ્રગ કનેકશનને લઇને NCBની મોટી કાર્યવાહી : મુંબઇ અને ગોવામાં દરોડા

ડ્રગ પેડલર ઝૈદ વિલાત્રા અને અબ્દેલ બાસિત પરિહારે NCBના અધિકારીઓને ડ્રગ આખા નેટવર્ક વિશે જાણકારી આપી હતી : જે બાદમાં આ કાર્યવાહી કરવામાં આવી

મુંબઈ તા. ૧૨ : સુશાંતસિંહ રાજપુત મોત કેસની તપાસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ આજે સવારે મોટી કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીની ટીમોએ મુંબઈ અને ગોવામાં મોટા પ્રમાણમાં દરોડાં કાર્યવાહી કરી છે. એવા સમાચાર સામે આવ્યા છે કે ડ્રગ બોલિવૂડ કનેકશન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધી ડ્રગ મામલે જે જે લોકોની પૂછપરછ કરી છે, તેમની પાસેથી આખા નેટવર્કની જાણકારી મેળવી છે. એનસીબીના સૂત્રોએ પહેલા જ એવી માહિતી આપી દીધી હતી કે આ મામલે મોટા માથાંઓનાં નામ સામે આવી શકે છે અને વધુ ધરપકડ થઈ શકે છે.

એનસીબીની આ મામલે ડ્રગ પેડલર ઝૈદ વિલાત્રા અને અબ્દેલ બાસિત પરિહારે  NCBના અધિકારીઓને ડ્રગ આખા નેટવર્ક વિશે જાણકારી આપી હતી, જે બાદમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈમાં જે દરોડાંની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ધરપકડ કરવામાં આવેલા ડ્રગ ડીલર અનુજ કેશવાનીની બાતમી બાદ કરવામાં આવી છે. જે છ જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે તેમાંથી મોટાભાગના ડ્રગ પેડલર છે. આ મામલે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે. અનુજ કેશવાનીની ધરપકડ રિયાનું ડગ કનેકશન બહાર આવ્યું ત્યારે કરી લેવામાં આવી હતી. અનુજે પૂછપરછ દરમિયાન અનેક નામ આપ્યા છે. અનુજની ધરપકડ કૈઝાન ઇબ્રાહિમે આપેલી બાતમી બાત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ૨૩ વર્ષના અબ્દેલ બાસિત પરિહાર અને ૨૧ વર્ષના આરોપી ઝૈદ વિલાત્રાની નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોની ટીમે પૂછપરછ કરી હતી. જે બાદમાં રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સૈમ્યુઅલ મિરાનડાની કલાકો સુધી પૂછપરછ ચાલી હતી. પૂછપરછ દરમિયાન પુરાવા મળતા બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. શોવિક બાદ રિયાની પણ પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ લોકો પર ડ્રગની હેરાફેરી અને ખરીદી કરવાનો આક્ષેપ છે.

(10:20 am IST)