Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૨૦૦૯થી ૨૦૧૮ના ગાળા દરમિયાન

દલિતો સામેના અપરાધમાં ૬%નો વધારો

નવી દિલ્હી તા. ૧૨ : શુક્રવારે બહાર પડાયેલ એક રિપોર્ટ અનુસાર, ૨૦૦૯થી ૨૦૧૮ દરમિયાન દલિતો સામેના અપરાધમાં ૬ ટકાના વધારા સાથે એટ્રોસીટીના ૩.૯૧ લાખથી વધારે કેસો નોંધાયા હતા. જે શેડયુલડ કાસ્ટસ અને શેડયુલ્ડ ટ્રાઇબ્સ (પ્રીવેન્શન ઓફ એટ્રોસીટીઝ) કાનૂન ૧૯૮૯ અને ૧૯૯૫ના કાયદાની અમલવારીમાં છીંડા હોવાનું દર્શાવે છે.

૨૦૦૯થી ૨૦૧૮ દરમિયાનના નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના એસસી અને એસટી સામેના ગુનાઓના ડેટા અને એસસી/એસટી કાનૂનની અમલવારીના વિશ્લેષણના આધારે નેશનલ દલિત મુવમેન્ટ ફોર જસ્ટીસ (એનડીએમજે) દ્વારા 'કવેસ્ટ ફોર જસ્ટીસ' નામનો આ રિપોર્ટ તૈયાર કરાયો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે શેડયુલ ટ્રાઇબ સામેના ગુનાઓ ૨૦૦૯-૨૦૧૮ દરમિયાન લગભગ ૧.૬ ટકા ઘટયા છે અને તેમની સામેના કુલ ૭૨૩૬૭ ગુનાઓ નોંધાયા છે. રિપોર્ટમાં દલિત અને આદિવાસી મહિલાઓ ઉપર હિંસામાં વધારો થયો હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, દલિત મહિલાઓને ઉચ્ચ જાતિઓની હિંસાનો અવાર-નવાર સામનો કરવો પડે છે. જેમાં શારીરિક અને જાતિય હિંસા તથા ડાકણ હોવાનું લેબલીંગ સામેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં એટ્રોસીટીના ૨,૦૫,૪૧૬ ગુનાઓમાંથી ૪૧,૮૬૭ ગુનાઓ ખાલી શેડયુલ્ડ કાસ્ટની મહિલાઓ સામે જ થયા છે જે કુલ સંખ્યાના ૨૦.૪૦ ટકા છે.

રિપોર્ટમાં એટ્રોસીટીના કેસ પેન્ડીંગ હોવા બાબતે પણ કહેવાયું છે કે એફઆઇઆર નોંધાઇ હોય તેવા ૨૦૦૯થી ૨૦૧૮ વચ્ચેના ૮૮.૫ ટકા કેસો પેન્ડીંગ પડયા છે.

(11:20 am IST)