Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

લોકડાઉનમાં નવરા બેઠેલા યુવકે લાકડામાંથી બનાવી સાઈકલ

સાઈકલને જલંધર, દિલ્હી ઉપરાંત દક્ષિણ આફ્રિકા તથા કેનેડા સુધી વેચવામાં આવી રહી છે

અમૃતસર,તા.૧૨: રોજગાર માટે યુવકો રસ્તા પર છે. જીડીપીની હાલત માઈનસમાં છે. માર્કેટમાં પણ તેજી જોવા નથી મળી રહી. 'કોવિડ-૧૯'ના કેસના આંકડાઓ પણ વધી રહ્યા છે. જેના કારણે દુનિયામાં સૌથી વધારે કોરોનાના કેસમાં ભારત બીજા નંબર પર પહોંચી ગયું છે. પહેલા નંબરે અમેરિકા છે. જોકે ભારતીયોએ હવે આપત્ત્િ।ઓને અસવર શોધવાનું શીખી લીધી છે. કારણ કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પરિવારનું પેટ તો ભરવું જરૂરી છે. પંજાબના જિરકપુરમાં રહેનારા ૪૦ વર્ષના કારપેન્ટર ધનીરામ સગ્ગૂ તેનું ઉત્ત્।મ ઉદાહરણ છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ લોકડાઉન દરમિયાન તેમણે પોતાની ક્રિએટિવિટીથી એવી સાઈકલ બનાવી છે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાઈકલની વિદેશમાં પણ માગ થઈ રહી છે.

'ધ બેટર ઈન્ડિયા'ની રિપોર્ટ મુજબ, લોકડાઉનમાં જયારે કામ ધંધા ઠપ્પ થઈ ગયા તો ધનીરામે પોતાની આવડતનો ઉપયોગ કરતા પર્યાવરણ સંરક્ષણ માટે લાકડાની સાઈકલ બનાવી. આ કામ તેણે ઘરમાં પડેલા લાકડા અને પ્લાયવૂડની મદદથી કર્યું, જેને જોઈને લોકો હેરાન છે. તેણે જણાવ્યું કે, લોકડાઉનમાં દ્યણો સમય હતો... પણ કામ નહોતું. એવામાં તેને લાકડાની સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો, જેનું એક કારણ તે પણ હતું કે તેની પાસે માત્ર લાકડું અને પ્લાયવૂડ જેવી વસ્તુઓ તથા જૂની સાઈકલનો સામાન હતો.

મિસ્ત્રી ધનીરામે સાઈકલના મિકેનિઝમને જોયું અને તેના એન્જિનિયરિંગને બારીકાઈથી સમજયું. આ બાદમાં તેણે એક બ્લ્યૂપ્રિન્ટ ડિઝાઈન બનાવી અને સાઈકલ બનાવવાનું કામ શરૂ કરી દીધું. તેણે પોતાની જૂની સાઈકલના પેડલ, સીટ અને સાઈડ સ્ટેન્ડનો પણ ઉપયોગ આ માટે કર્યો. પહેલી ડિઝાઈન તૈયાર કરવામાં લગભગ એક મહિનો લાગ્યો. બીજા પ્રયાસમાં તેણે કેનેડિયન વુડનો ઉપયોગ કર્યો જે ખૂબ હળવું, સસ્તું અને ટકાઉ હોય છે.

સાઈકલનું વજન ૨૦થી ૨૨ કિલોગ્રામ છે. તે આ સાઈકલનું હજુ પણ હલકી બનાવવામાં લાગ્યા છે. તેમાં ડિસ્ક બ્રેક પણ લાગેલી છે. તેણે સાઈકલના આગામી મોડલમાં ગિયર લગાવવાનો પણ નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે એક પ્રાઈવેટ કંપની આ સાયકલને ૧૫ હજાર રૂપિયામાં વેચી રહી છે, જેનાથી તમે એક દિવસમાં ૨૫-૩૦ કિલોમીટરનું અંતર કાપી શકો છો. અને હા આ સાઈકલને જલંધર, દિલ્હી ઉપરાંત દક્ષિણ આફ્રિકા તથા કેનેડા સુધી વેચવામાં આવી રહી છે. ધનીરામ અત્યાર સુધી આવી ૮ સાઈકલને વેચી ચૂકયા છે અને હાલમાં તેઓ ૫ વધુ સાઈકલ પર કામ કરી રહ્યા છે.

(11:27 am IST)