Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુપ્રસિધ્ધ ગાયક અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્યનું અવસાન

સંગીત જગતને મોટો આંચકોઃ ૩૫ વર્ષના યુવા સંગીતકારની વિદાય : યુવા સંગીતકારને કિડનીની બિમારી હતી, તેઓ સારા કી-બોર્ડ પ્લેયર હોવાની સાથોસાથ મ્યુઝીક ડાયરેકટર પણ હતા, અનેક આલ્બમોમાં સંગીત આપેલુઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાંં પણ અનુરાધા પૌડવાલ સાથે પુત્ર આદિત્ય કાર્યક્રમો આપતા : સ્વ. આદિત્યને સંગીત વારસામાં મળેલુ, તેએ પણ અનેક મ્યુઝીક આલ્બમો બનાવ્યા છેઃ ગાંધી આશ્રમે અનુરાધાજી અને સ્વ. આદિત્યનો ગુજરાતમાં છેલ્લો કાર્યક્રમ હતોઃ પંકજ ભટ્ટ

રાજકોટઃ તા.૧૨,એવુ લાગી રહ્યુ છે કે વર્ષ ૨૦૨૦ બોલિવુડ માટે ખૂબ ખરાબ જઈ રહ્યુ છે. એક પછી એક દુઃખભર્યા સમાચાર સતત બી ટાઉનમાંથી સામે આવી રહ્યા છે. પહેલા ઋષિ કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચારે બધાને દુઃખી કરી દીધા હતા. ત્યારબાદ હવે બોલિવુડથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભજન ગાયિકા અનુરાધા પોંડવાલના પુત્ર આદિત્ય પોંડવાલનુ ૩૫ વર્ષની વયે દુઃખદ નિધન થઈ ગયુ છે. તેઓ કિડનીની બિમારી સામે ઝઝૂમી રહયા હતા. આ સમાચારના પગલે બોલીવુડ અને સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. 

  પ્રાપ્ત વિગત પ્રમાણે આદિત્ય પૌડવાલ છેલ્લા ઘણા સમયથી કીડનીની બીમારીથી પીડિત હતા. આ કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કિડની ફેલ થવાથી આજે સવારે આદિત્યનું નિધન થયું હતું. આદિત્યના જવાથી પૌડવાલ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આદિત્ય પૌડવાલના નિધનના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર લોકો તેને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી રહ્યા છે.

 આદિત્ય પૌડવાલ પણ માતાની જેમ ભજનો અને ભકિત ગીતો ગાતા હતા. આ ઉપરાંત તે મ્યુઝિક કમ્પોઝ પણ કરતા હતા.  એક મુલાકાત દરમિયાન આદિત્યએ કહ્યુ હતુ કે, તે ભકિત સંગીત પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનું વિચારી રહ્યો છે. આદિત્યનું નામ ભારતમાં સૌથી નાની ઉંમરના મ્યુઝિક કમ્પોઝર તરીકે 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'માં પણ સામેલ છે.

 અનુરાધા પૌડવાલના લગ્ન અરુણ પૌડવાલ સાથે થયા છે. તેઓ પ્રસિદ્ઘ સંગીતકાર એસ.ડી. બર્મનના સહાયક હતા. ખુદ અરુણ પૌડવાલ એક સંગીતકાર હતા. ૯૦ના દાયકામાં જયારે અનુરાધા પૌડવાલની કારકિર્દી શીખર પર હતી ત્યારે જ તેમના પતિ અરુણ પૌડવાલનું એક દુર્દ્યટનામાં નિધન થયું હતું. હવે તેમના પુત્ર પણ આ દુનિયાને છોડીને જતા રહ્યા છે. પૌડવાલ પરિવારમાં હવે અનુરાધા પૌડવાલની એક દીકરી છે, જેનું નામ કવિતા પૌડવાલ છે.

રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ સંગીતકાર એવા શ્રી પંકજ ભટ્ટને પૌડવાલ પરિવાર સાથે પારીવારીક નાતો છે. તેઓએ જણાવેલ કે સ્વ. અરૂણ પૌડવાલ પણ સારામાં સારા સંગીતકાર હતા. તેમના પુત્ર આદિત્યએ પણ સંગીતનો વારસો જાળવી રાખ્યો હતો. સ્વ. આદિત્યએ પણ અનેક મ્યુઝીક આલ્બમોમાં સંગીત પીરસ્યુ છે. અનુરાધા પૌડવાલ જયારે સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા ત્યારે તેઓની સાથે સ્વ. આદીત્ય પણ કાર્યક્રમોમાં પીરસતા. ગાંધી જયંતિએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમે આ બંને કલાકારોનો કાર્યક્રમ યોજાયો હતો.

(3:02 pm IST)