Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વિવાદ વચ્ચે કંગનાએ શેર કરી ગુજરાતની તસ્વીરઃ કહ્યું-જીત આખરે ભકિતની થાય છે

ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો : મનથી ધાર્મિક અને ભકિતભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા

મુંબઇ,તા.૧૨ : મહારાષ્ટ્રની શિવસેનાની સાથે તકરાર વચ્ચે એકટ્રેસ કંગના રનૌતસોશિયલ મીડિયા પર સતત એકિટવ છે. હવે કંગના રનૌતે વધુ એક ટ્વિટ કરી છે, જેમાં તે સોમનાથ મંદિરમાં પૂજા કરતી દેખાઈ રહી છે. આ ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો છે.

કંગનાએ સોમનાથ મંદિરમાં પૂજા કરતી તસવીર શેર કરીને સાથે લખ્યું કે, સુપ્રભાત મિત્રો, આ ફોટો સોમનાથ મંદિરની છે. સોમનાથને કેટલાક અસામાજિક તત્વોએ કેટલીયવાર બરહેમીથી તોડ્યું છે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, આ ક્રુરતા અને અન્યાય ભલે ગમે તેટલા શકિતશાળી કેમ ન હોય, આખરે જીત તો ભકિતની જ થાય છે. હર હર મહાદેવ...

ઈતિહાસમાં નોંધાયેલું છે કે, ગુજરાતના સોમનાથ મંદિરને અનેકવાર તોડવાનો અને લૂંટવાનો પ્રયાસ થયો છે. અનેકવાર આ મંદિરના અસ્તિત્વને મટાડવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ લોકોની ભકિત પર તે ફરીથી ઉભું થયું છે. આ પોસ્ટના માધ્યમથી કંગનાએ નામ લીધા વગર ફરીથી મહારાષ્ટ્ર સીએમ ઉદ્ઘવ ઠાકરે પર હલ્લાબોલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શિવસેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલી તકરારમાં બીએમસીએ કંગના રનૌતની ઓફિસ પર ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. કંગનાની ઓફિસ પર બીએસસીએ જેસીબી ચલાવ્યું હતું. જેને લઈને તેણે બોમ્બે હાઈકોર્ટ પર પોતાનો જવાબ દાખલ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કંગના વિરુદ્ઘ ડ્રગ્સ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રાજયના ગૃહ મંત્રાલયના આદેશ પર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમ તપાસ કરશે. કંગનાના પૂર્વ બોયફ્રેન્ડ અધ્યયન સુમને એકટ્રેસ પર ડ્રગ્સ લેવાના આરોપ મૂકયા હતા.

મનથી ધાર્મિક અને ભકિતભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા. તે સમયે તેણે પોતાની આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. તેણે દ્વારકાધીશની સાથે સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા. તે મંદિરના વાતાવરણ અને સમુદ્ર કિનારે બેસીને ભાવુક થઈ ગઈ હતી. પરંતુ તેણે મંદિરની અંદરની તસવીરો કિલક કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ઓમ શ્રી કૃષ્ણ. ત્યારે આ તસ્વીરોને લઈને વિવાદ થયો હતો.

(3:28 pm IST)