Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

માત્ર દુષ્કાળ જ નહિં: અતિવૃષ્ટિને કારણે વધે છે ખેડૂતોમાં આત્મહત્યા

આ આત્મહત્યાઓમાં ૪૦ ટકા ઝેરી દવા પીનેઃ ૩૭ ટકાએ ગળે ફાંસો ખાઇને અને ૧૦ ટકાએ સળગીને જીવન ટુંકાવ્યું હતું

નવી દિલ્હી, તા.૧૨: સામાન્ય રીતે એવી ધારણા છે કે જયારે દુષ્કાળ હોય ત્યારે ખેડૂતોની આત્મહત્યા વધુ થાય છે. જોકે એક સંશોધને આ ધારણા ખોટી પાડી છે અને દાવો કર્યો છે કે જયારે અતીશય વરસાદ પડે અને પુર પ્રકોપની સ્થિતિ ઉભા થાય છે ત્યારે જ ખેડૂતો વધુ આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરેલા ખેડૂતોમાં મોટા ભાગના દેવામાં ડુબેલા હતા તેથી પણ આર્થિક નુકસાન સહન ન થતા જીવ ટુંકાવ્યું.

તેથી ખેડૂતોને દુષ્કાળ અને અતિવૃષ્ટી બન્નેનો ભોગ બનવુ પડી રહ્યું છે. ૨૦૦૧થી ૨૦૧૩ સુધીના ખેડૂતોના આત્મહત્યાના આંકડાઓને આધારે આ સંશોધન હાથ ધરાયું છે. જેમાં સેંપલ તરીકે ૯૪૫૬ આત્મહત્યાના કેસોને લેવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે દુષ્કાળ નહીં અતીવૃષ્ટીમાં ખેડૂતો વધુ આત્મહત્યા કરે છે અને આ આંકડો ૧૮.૭ ટકા વધુ છે.

કોલંબિયા યુનિવર્સિટીના મૈલામન સ્કૂલ ઓફ હેલ્થના રોબિન એ રિચાર્ડન, આઇઆઇટી ગાંધીનગર, મેકગિલ યુનિવર્સિટી (કેનેડા)ના સંશોધકો દ્વારા સંયુકત રીતે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મિલિયન ડેથ સ્ટડી (એમડીએસ)ના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, એમડીએસ દ્વારા ૨૦૦૧થી ૨૦૧૩ દરમિયાન થયેલી આત્મહત્યાઓના આંકડાઓનું મોનિટરિંગ કરાયું હતું.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં થતી આત્મહત્યાઓના આંકડાઓને લેવામાં આવ્યા હતા. જે ગ્રામીણ વિસ્તારમાં પાંચ હજારથી ઓછી વસતી હોય તેને આવરીને હાથ ધરાયેલા આ સંશોધનમાં તારણ સામે આવ્યું હતું કે આ આત્મહત્યાઓમાં ૪૦ ટકા ઝેરી દવા પીને, ૩૭ ટકાએ ગળે ફાંસો ખાઇને અને ૧૦ ટકાએ સળગીને જીવન ટુંકાવ્યું હતું.

આ સંશોધનને સાયન્સ ડાયરેકટર્સ એન્વાયરમેન્ટલ જર્નલમાં પ્રકાશીત કરાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે અમારૂ તારણ કહે છે કે જે વિસ્તારોમાં પાણી હોય અને દુષ્કાળની સ્થિતિ ન હોય ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળ્યું.

ખાસ કરીને અતી ભેજવાળા અને અતિવૃષ્ટી વાળા વિસ્તારોમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને પગલે આ આત્મહત્યાઓ થઇ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને પણ આવરી લેવાયા હતા. જેના પરથી તારણ સામે આવ્યું છે કે ખેડૂતો માથે દેવુ વધી જવું તે આત્મહત્યાનું એક મોટુ કારણ છે.

(3:28 pm IST)