Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઇઝરાયેલ અને બહરીન સંબંધો સંપૂર્ણપણે સામાન્ય કરવા ઐતિહાસિક સમજૂતી કરવા સહમત: ટ્રમ્પએ કરી જાહેરાત

ટ્વિટ કરીને કરતાં કહ્યું હતું કે,’ 30 દિવસની અંદર જ ઇઝરાયેલ સાથે એક બીજો આરબ દેશ શાંતિ સમજૂતી કરશે

 

નવી દિલ્હી : ઇઝરાયેલ અને અખાતી દેશ બહરીન પારસ્પરિક સંબંધો સંપૂર્ણપણે સામાન્ય કરવા ઐતિહાસિક સમજૂતી કરવા સહમત થઈ ચૂક્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ ટ્વિન ટાવર પર થયેલા ત્રાસવાદી હુમલાની 19મી વાર્ષિક તીથિ પ્રસંગે અમેરિકી પ્રમુખે ટ્વિટ કરતાં કહ્યું હતું કે,’ 30 દિવસની અંદર ઇઝરાયેલ સાથે એક બીજો આરબ દેશ શાંતિ સમજૂતી કરશે. આપણા બે મહાન મિત્ર દેશો ઇઝરાયેલ અને કિંગ્ડમ ઓફ બહરીન શાંતિ સમજૂતી કરવા સહમત થયા છે.’ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને બહરીનના કિંગ હામિદ બિન ઇસા અલ ખલિફા સાથે ફોન પર વાતચીત કર્યા પછી જાહેરાત કરી હતી. ત્રણેય નેતાઓએ ટૂંકા સંયુક્ત નિવેદન પણ જારી કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલ -UAE વચ્ચે સંબંધો પ્રસ્થાપિત થયા તેના માનમાં વ્હાઇટ હાઉસમાં ખાસ સમારંભનું આયોજન કરેલું છે. સમારંભ યોજાય તેના એક સપ્તાહ પહેલાં ટ્રમ્પે હવે ઇઝરાયેલ અને બહરીન વચ્ચે સંબંધો સામાન્યવત કરવાની જાહેરાત કરી હતી. બહરીનના વિદેશ પ્રધાન પણ વ્હાઇટ હાઉસ સમારંભમાં હાજરી આપીને નેતન્યાહૂ સાથે અલગથી સંધિ કરશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે 11 સપ્ટેમ્બરે ટ્વિન ટાવર હુમલો કરીને ધિક્કારની ભાવના ફેલાવનારાઓને આનાથી મજબૂત જવાબ કયો હોઈ શકે.

આરબ દેશો દાયકાઓથી એમ કહીને ઇઝરાયેલનો બહિષ્કાર કરતા રહ્યા છે કે સૌ પ્રથમ તે પેલેસ્ટાઇન વિવાદનો નિકાલ કરે તે પછી તેઓ ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપશે. પરંતુ સંયુક્ત આરબ અમિરાત ગયા મહિને ઇઝરાયેલ સાથે શાંતિ સંબંધો સ્થાપવા સહમત થયું હતું. ઇઝરાયેલ સાથે સંધિ કરનારા આરબ દેશો અમેરિકાની ઇરાન તરફના ખતરા અંગેની ચિંતાને સમજીને ઇઝરાયેલ સાથે સંધિ કરવા લાગ્યા છે.

 

(12:51 am IST)