Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

મુખ્યમંત્રી રૂપાણીની જેમ ફરી નવા મુખ્યમંત્રી તરીકે કોઈ 'સરપ્રાઇઝ' મળશે ? : આ વખતે પણ લોકોની ધારણા ખોટી પડશે ! જબરી ઉત્કંઠા

અનેક નામોની ચર્ચા વચ્ચે અગાઉથી ચર્ચામાં હોય તેવા નામોથી વિપરીત નામની પસંદગી કરવા માટે જાણીતા ભાજપ હાઇકમાન્ડ સૌને ચોંકાવે તો નવાઈ નહિ

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રાજ્યપાલને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું.  હવે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી કોણ તેના પર અટકળો ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ રાજીનામું કેમ આપવું પડ્યું એના વિશે તર્ક વિતર્કો થઈ રહ્યા છે. દરમિયાન સૌની નજર આવતીકાલે મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠક પર છે

 દરમિયાન મુખ્યમંત્રી તરીકે અગાઉની જેમ જ નીતિનભાઈ પટેલ,મનસુખભાઇ માંડવીયા , પરસોતમભાઇ રૂપાલા , ગોરધન ઝડફિયા, પ્રફુલ પટેલ  સીઆર પાટિલના નામો ચર્ચામાં છે. ત્યારે શું વડાપ્રધાન મોદી લોકોની અટકળો પૈકીનો કોઈ એક ચહેરો પસંદ કરશે કે પછી વિજયભાઈ રૂપાણીની જેમ જ કોઈ 'સરપ્રાઇઝ' આપશે. સૌના મોઢે એક ચર્ચા છે કે પીએમ મોદીએ નક્કી કરેલા નામ પર મહોર લાગી ગઈ છે અને એ જ રાજ્યના આગામી સીએમ બનશે.
પીએમ મોદી તેમના કાર્યકાળમાં હંમેશાથી અગાઉથી ચર્ચામાં હોય તેવા નામોથી વિપરીત નામની પસંદગી કરવા માટે ઓળખાય છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ વાત સર્વવિદત છે. અગાઉ જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે નીતિનભાઈ  પટેલનું નામ લગભગ નીશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ ગુજરાતના સીએમ તરીકે વિજયભાઈ  રૂપાણીના નામ પર મહોર લાગી અને તેમણે 1862 દિવસનું સાશન કર્યુ. આ વખતે પણ નામોનું બજાર ગરમ છે ત્યારે શું આ નામો પૈકીનું કોઈ એક નામ પસંદ થશે કે પીએમ મોદી સરપ્રાઇઝ આપશે એના પર સૌની નજર છે
નીતિનભાઈ  પટેલ હાલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે. પાટીદાર નેતા હોવાની સાથે તેઓ જૂના ખેલાડી પણ છે. રાજ્યમાં વહિવટ પરનો કુશળ અનુભવ ધરાવતા નીતિભાઈ પટેલ વિજયભાઈ  રૂપાણીના રાજીનામા બાદ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. નીતિનભાઈ  પટેલ રાજ્યના મહેસાણાના ધારાસભ્ય છે અને તેમની લોકપ્રિયતા અલગ પ્રકારની છે. તાજેતરમાં જ તેમણે ગાંધીનગરમાં હિંદુ બહુમતીની સરકાર તરીકે કરેલા નિવેદનથી સમગ્ર દેશનું રાજકારણ પણ ગરમાઈ ગયું હતું. નીતિનભાઈ  પટેલ સંભવિત નવા મુખ્યમંત્રી તરીકે જોવામાં આવી રહ્યા છે. પાટીદાર, ધારાસભ્ય વહીવટ અને લોકચાહના તેમજ સુમેળ વર્તનના કારણે તેમનું નામ અગ્રેસર છે.

(11:35 pm IST)