Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ગાંધીનગર ખાતે સી.આર. પાટીલના બંગલે તખતો પલટાવવાનું પ્લાનિંગ: દિલ્હીથી આવેલા નામો પર મંત્રણા

પ્રદીપસિંહ વાઘેલા, ભરત બોઘરા, ઉદય કાંગડ, સુધીર ગુપ્તા, ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, બી એલ સંતોષ અને રત્નાકર સી આર પાટીલના બંગલે પહોંચ્યા

ગાંધીનગર  : હાલ સમગ્ર દેશની નજર ગુજરાતના નવા મુખ્યમંત્રી ના નામ પર છે. એક બાજુ રાજકીય માહોલ ગરમાયો છે, અનેક નામો પર સટ્ટો રમાયો છે. આવામાં ગુજરાત માં હાલ એક સ્થળ એવુ છે જ્યાં નવા સીએમ બનાવવા અંગે તખતો રચાઈ રહ્યો છે. તે છે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનુ નિવાસસ્થાન. આજે સવારથી જ સીઆર પાટીલ નું નિવાસસ્થાન ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે. હાલ સીઆર પાટીલનું નિવાસસ્થાન સત્તાનું કેન્દ્ર બન્યું છે.

નરેન્દ્ર તોમર ગુજરાત આવી પહોંચ્યા છે. તો પ્રહલાદ જોશી પણ ટૂંક સમયમાં ગુજરાત આવી પહોંચશે. તે પહેલા સીઆર પાટીલના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠકનો વ્યૂહ રચાઈ રહ્યો છે. સીએમની પસંદગી માટે પાટીલના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે. આ મીટિંગમાં દિલ્હીમાં નક્કી થયેલા નામ પર મંત્રણા કરવામાં આવી છે. હાલ ભાજપ કાર્યાલય પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમામ ધારાસભ્યોને બપોરે 2 વાગ્યા સુધી કમલમ પહોંચવા સૂચના આપી દેવાઈ છે. બપોરે 3 વાગ્યે ધારાસભ્યોની બેઠક યોજાશે.

આજે સવારથી અનેક દિગ્ગજ નેતાઓ સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે. જેમાં અત્યાર સુધી પ્રદીપસિંહ વાઘેલા, ભરત બોઘરા, ઉદય કાંગડ (OBC મોરચાના અધ્યક્ષ), સુધીર ગુપ્તા (સહપ્રભારી) સી આર પાટીલના બંગલે પહોંચ્યા છે. તો બીજી તરફ, ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, બી એલ સંતોષ અને રત્નાકર પણ પાટીલના ઘરે પહોંચ્યા છે.

ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર પણ ગુજરાત આવી ગયા છે. તેમણે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે કહ્યું કે, કોણ મુખ્યમંત્રી બનશે તે વિષય અમારી સામે છે. મને અહી મોકલ્યો છે. અમે અહી બધા નેતાઓ સાથે ચર્ચા કરીશું. આગળી મૂવ વિશે જલ્દી જ જણાવીશું. જ્યારે પણ નેતાના પસંદગીની વાત આવે છે ત્યારે બધા જ લેવલે ચર્ચા થાય છે.

તો બીજી તરફ, ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે સટ્ટાબજાર ગરમ બન્યું છે. બૂકી બજારના મતે નવા મુખ્યમંત્રી પાટીદાર હશે. સટ્ટાબજારમાં નીતિન પટેલનું નામ સૌથી વધુ ફેવરિટ છે. તો સાથે જ મનસુખ માંડવિયા અને નીતિન પટેલના નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત બુકી બજારમાં પરશોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા સહિતના નામ પર પણ સટ્ટો રમાઈ રહ્યો છે. નામ નક્કી થાય ત્યાં સુધીમાં લાખો રૂપિયાનો સટ્ટો રમાશે. લાંબા સમય બાદ ફરી રાજકોટનું સટ્ટાબજાર ગરમ બન્યું છે

(11:39 am IST)