Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

અફઘાન સરકારના કેટલાક ગુપ્ત દસ્તાવેજ પાકિસ્તાનના હાથ લાગ્યા : કાબુલથી 3 પ્લેનમાં ભરીને દસ્તાવેજ લઇ ગયુ ISI

દસ્તાવેજોમાં મુખ્ય રીતે એનડીએસના ગુપ્ત દસ્તાવેજ, હાર્ડ ડિસ્કસ અને અન્ય ડિઝીટલ જાણકારી હતી

ઇસ્લામાબાદ: પાકિસ્તાન ક્યા કારણોસર અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી ઇચ્છે છે તેના પુરાવા મળવાના શરૂ થઇ ગયા છે. અફઘાનમાં દરેક મોરચા પર તાલિબાનના મદદગાર બનેલા પાકિસ્તાનના નાપાક મનસુબા હવે પુરા થતા જોવા મળી રહ્યા છે. આ સમયે તાલિબાનના કબજામાં આવી ચુકેલા અફઘાનિસ્તાનને લઇને ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. અફઘાન સરકારના કેટલાક ગુપ્ત દસ્તાવેજ પાકિસ્તાનના હાથ લાગ્યા છે.

માનવામાં આવી રહ્યુ છે કે આ દસ્તાવેજોથી સુરક્ષાને મોટો ખતરો ઉભો થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલા જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાને નિયંત્રણમાં લેવાના ઇરાદે કાબુલ માટે આર્થિક યોજનાઓની જાહેરાત કરી હતી.

કાબુલમાં માનવીય સહાયતા લઇને પહોચેલા ત્રણ C-170 વિમાન દસ્તાવેજથી ભરેલી બેગ લઇને રવાના થયા છે. બીજી તરફ તાલિબાને પણ નવી વચગાળાની સરકારના શપથ ગ્રહણ માટે 11 સપ્ટેમ્બર એટલે કે અમેરિકામાં થયેલા આતંકી હુમલાની 20મી વર્ષગાંઠની તારીખ ટાળી નાખી છે. તાલિબાને 7 સપ્ટેમ્બરે વચગાળાની સરકારની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન જે પોતાની સાથે લઇ ગયુ તે ગુપ્ત દસ્તાવેજ હતા, જેમણે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિજ ઇન્ટેલિજન્સ (ISI) એજન્સીએ પોતાના કબજામાં લઇ લીધી છે. આ દસ્તાવેજોમાં મુખ્ય રીતે એનડીએસના ગુપ્ત દસ્તાવેજ, હાર્ડ ડિસ્કસ અને અન્ય ડિઝીટલ જાણકારી હતી. ટોચના સુત્રોએ જણાવ્યુ છે કે આ ડેટાને ISI પોતાના ઉપયોગ માટે તૈયાર કરશે, જે સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ તાલિબાન સરકારને પાકિસ્તાન પર નિર્ભર બનાવી દેશે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજામાં પાકિસ્તાનની ભૂમિકાના આરોપ ઘણા સમયથી લાગતા રહ્યા છે. અહી પાકિસ્તાની સેના અને જાસુસી એજન્સીના તાલિબાની લડાકા સાથે જમીન પર ઉતરવાના દાવા કરવામાં આવ્યા. સાથે જ તાલિબાનની એક એક કરીને દરેક પ્રાંતને કબજાવાની રણનીતિ પાકિસ્તાની સેના તરફથી બનવાનો દાવો પણ કરવામાં આવ્યો. ISI ચીફ ફૈઝ અહેમદ પણ કાબુલ પહોચ્યા હતા જે બાદ પંજશીર પર હુમલો કરીને તેને જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો.

(12:52 pm IST)