Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ભાજપ હાઈકમાંડે ફરી કરી આશ્ચર્યજનક જાહેરાત : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ના નામની ઘોષણા : આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું નામ સૂચવ્યું હતું

ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી

ગાંધીનગર: ગુજરાતમાં ભાજપે પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરી સો ને આશ્ચર્ય માં મૂકી દીધા છે. શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની જબરી ચર્ચાઓ ચાલી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે વિજયભાઈના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી કળશ ઢોળ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ લડાશે.

આ પહેલાં વિજયભાઈ રૂપાણીના રાજીનામા પછી કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં લાંબી ચર્ચા ચાલી હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને તેમનાં મંતવ્ય લીધાં હતાં. હાઈકમાન્ડે મોકલેલાં નામો અંગે પણ જાણ કરાઈ હતી અને તેના આધારે ધારાસભ્ય દળની બેઠકમાં કોના નામની દરખાસ્ત મૂકવી તેની સૂચના અપાઈ હતી.

ભાજપ મુખ્યાલય કમલમ ખાતે બપોરે ત્રણ વાગ્યો બોલાવાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. બેઠકમાં ઉપસ્થિતી તમામ ધારાસભ્યોએ ભૂપેન્દ્ર પટેલના નામને વધાવી લેતાં સર્વાનમુતે ભૂપેન્દ્ર પટેલની ભાજપ વિધાનસભા પક્ષના નેતાપદે નિમણૂક કરાઈ હતી.

(5:04 pm IST)