Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ગુજરાતના નાથ ભુપેન્દ્ર પટેલ : દાદા ના નામથી પ્રખ્યાત કડવા પાટીદાર ભુપેન્દ્ર પટેલ આનંદીબેનના ખુબ વિશ્વાસુ

કન્ટ્રક્શન વ્યવસાયી ભુપેન્દ્ર પટેલ ઔડા અને અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે : 2017માં રાજ્યમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા.

અમદાવાદ : આખરે ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જાહેર થયું છે ભાજપે તેની કાર્યપધ્ધતિ  મુજબ નામ જાહેર કરતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે, અને ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

 ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીઆર પાટીલે અને નીતિનભાઈ  પટેલ રેસમાં હતા, જેમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતનું સુકાન સોંપાયુ છે. પહેલા મુખ્યમંત્રીના રેસમાં બે નામ હતા. જેમાં પાછળથી આરસી ફળદુનું નામ પણ સામેલ થયુ હતું. કોર કમિટીની બેઠકની શરૂઆતમાં જ આરસી ફળદુનુ નામ ચર્ચામાં અચાનક આવ્યુ હતું. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે અચાનક જ ભૂપેન્દ્ર પટેલનુ નામ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કોર કમિટીની બેઠક બાદ ભારે મનોમંથન કરાયુ હતું, અને આખરે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી હતી. આ નામ ક્યાંય ચર્ચામાં ન હતું, ક્યાંય  વાતમાં ન હતું.

 ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે

(5:32 pm IST)