Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સીએમની ખુરશી મળશે તેનો મને અણસાર નહોતો

ભૂપેન્દ્ર પટેલે કરેલો દાવો : પક્ષ દ્વારા તેમના પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેને પરિપૂર્ણ કરવાનો તેઓ પૂરો પ્રયાસ કરશે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, તા.૧૨ : વિજય રુપાણી દ્વારા રાજીનામું આપ્યાના ૨૪ કલાકમાં જ ભૂપેન્દ્ર પટેલનું નવા સીએમ તરીકે નામ જાહેર કરી ભાજપે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ખુદ ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનું નામ જાહેર થયા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને પોતાને પણ આ વાતનો કોઈ અણસાર નહોતો. ભૂપેન્દ્ર પટેલને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તેમને સીએમ બનાવાઈ રહ્યા છે તે વાતની જાણ ક્યારે કરવામાં આવી હતી તે સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ વાતની તેમને અગાઉથી કોઈ જાણ નહોતી કરાઈ.

પીએમ મોદી, અમિત શાહ અને આનંદીબેનનો આભાર વ્યક્ત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા તેમના પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેને પરિપૂર્ણ કરવાનો તેઓ પૂરો પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં વિકાસની યાત્રા યથાવત રહેશે, અને જે કંઈ પણ કાર્યો થવાના છે તેમનું નવેસરથી પ્લાનિંગ કરી તેમને વધુ સારી રીતે કરવામાં આવશે.

ગુજરાતમાં પૂર્વ સીએમ રુપાણીની એક્ઝિટ જેટલી આશ્ચર્યજનક રહી, તેટલી જ આશ્ચર્યજનક ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત પણ રહી છે. ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી મોટી લીડ સાથે જીતનારા ધારાસભ્ય બન્યા હતા. નવા સીએમ તરીકે તેમનું નામ જાહેર કરાતા તેમના પરિવારજનો પણ ઉજાણીના માહોલમાં આવી ગયા છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવાર સાથે શીલજમાં રહે છે. તેમનું નામ સીએમ તરીકે જાહેર થતાં જ મીડિયાના ધાડેધાડા તેમના ઘરે પહોંચી ગયા હતા.

ઘાટલોડિયામાં આવેલા ભાજપના કાર્યાલયમાં પણ ઉજાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમના ટેકેદારોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ સીએમ બનવાની તમામ લાયકાત ધરાવે છે.

બીજી તરફ, સીએમ બનતા જ ભૂપેન્દ્ર પટેલના ટ્વીટર પર ફોલોઅર્સની સંખ્યામાં પણ એકાએક વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ૫૯ વર્ષની વય ધરાવતા ભૂપેન્દ્ર પટેલનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ હાલ શીલજની આર્યમાન રેસિડેન્સીમાં રહે છે. વ્યવસાયે બિલ્ડર એવા પટેલ સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન્શન, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, મેમનગર પાલિકાના પ્રમુખ તેમજ થલતેજ વોર્ડમાં કોર્પોરેટર રહેવાની સાથે ૨૦૧૫-૧૭ના ગાળામાં ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

(7:23 pm IST)