Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

મિઝોરમમાં એક જ દિવસમાં ૧૦૮૯ નવા કેસ નોંધાયા

૨૪૫ બાળકો સંક્રમિત થયા : મિઝોરમમાં નવા નોંધાયેલા ૧,૦૮૯ કેસ સાથે કોરોનાના કુલ સંક્રમણનો આંકડો ૭૦,૦૦૦ને પાર થઈ ગયો છે

નવી દિલ્હી,તા.૧૨ : કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે, માત્ર કેરળ એવું રાજ્ય છે કે જ્યાં ભારતના કુલ કેસ કરતા બમણા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળ બાદ હવે મિઝોરમમાં નોંધાયેલા કેસ ચોંકાવી રહ્યા છે. અહીં દૈનિક કેસનો આંકડો નહીં પરંતુ બાળકો સંક્રમિત થયાનો આંકડો ચોંકાવનારો છે. કારણ કે એક જ દિવસમાં અઢીસો જેટલા બાળકો સંક્રમિત થવાની ઘટના અહીં પહેલીવાર બની છે. મિઝોરમમાં રવિવારે નવા નોંધાયેલા ૧,૦૮૯ કેસ સાથે કોરોનાના કુલ સંક્રમણનો આંકડો ૭૦,૦૦૦ને પાર થઈ ગયો છે. અહીં ૨૪ કલાકમાં નોંધાયેલા ૧,૦૮૯માંથી ૨૪૫ બાળકો સંક્રમિત થયા છે. મિઝોરમમાં વધુ ત્રણ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૨૩૬ થઈ ગયો છે.

            મિઝોરમમાં દૈનિક પોઝિટિવિટી રેટની ટકાવારી વધીને ૧૩.૯૮% થઈ છે, જે શનિવારે આ ટકાવારી ૧૦.૭૩% છે. શનિવારે અહીં વધુ ૭,૭૯૧ સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. આ તરફ કેરળમાં પણ કેસમાં વધારો થતા ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસની સંખ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં નવા ૨૮,૫૯૧ કેસ નોંધાયા છે, જ્યારે ૩૩૮ દર્દીઓના મોત થયા છે. કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૪૮૭ કેસ નોંધાયા છે, અને ૧૮૧ દર્દીઓના મોત થયા છે. આમ દેશના કુલ કેસમાં કેરળના કેસ બાદ કરતા ૮,૧૦૪ કેસ બાકી રહે છે. ૨૪ કલાકમાં વધુ ૨૮ હજાર કેસ નોંધાતા કુલ કેસનો આંકડો વધીને ૩,૩૨,૩૬,૯૨૧ પર પહોંચી ગયો છે. જ્યારે વધુ ૩૪,૮૪૮ દર્દીઓ સાજા થતા દેશમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૨૪,૦૯,૩૪૫ પર પહોંચી ગઈ છે. આમ કોરોનાના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી જતા એક્ટિવ કેસ ઘટીને ફરી ૩,૮૪,૯૨૧ પર પહોંચ્યા છે. આ સિવાય કુલ મૃત્યુઆંક ૪,૪૨,૬૫૫ થઈ ગયો છે.

(7:25 pm IST)